Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં 2018ની સાલમાં એક પૂર્વ નગરસેવક પર ભાજપાના એક અગ્રણી અને અન્ય એક શખ્સ દ્વારા ફાયરિંગ થયાનો મામલો પોલીસમાં દાખલ થયેલો. જે મામલામાં અદાલતે બંને આરોપીઓને ‘નિર્દોષ’ જાહેર કરી આ ગુનામાંથી મુક્તિ આપી છે.
આ મામલાની વિગત એવી છે કે, પૂર્વ કોર્પોરેટર/ ગુજસીટોક ના આરોપી અતુલ ભંડેરી પર ભાજપાના અગ્રણી હસમુખ પેઢડીયા અને તેના સાગરિત યોગેશ અકબરી દ્વારા ફાયરિંગ થયેલું. આ બનાવ લાલપુર બાયપાસ રોડ નજીક કીર્તિ પેટ્રોલપંપ પાસે રાત્રે બાર વાગ્યા આસપાસ બનેલો. જેમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો અંતર્ગત અતુલ ભંડેરીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
ત્યારબાદ આ કેસ સ્થાનિક અદાલતમાં ચાલવા પર આવ્યો ત્યારે ધારાશાસ્ત્રી પી.એમ.બુચ તથા ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ દ્વારા આરોપીઓ વતી ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. બાદમાં અદાલતે હસમુખ પેઢડીયા અને યોગેશ અકબરીને આ કેસમાં નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો. આ કેસમાં સહાયક વકીલો તરીકે અવનિ દેલવાડિયા અને ફૈઝલ ચરિયા હાજર રહ્યા હતાં.
મહત્વનું છે કે આ ગંભીર ઘટના અંગે અતુલ ભંડેરી દ્વારા જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમણે ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢડિયા તથા તેમના સાગરિત યોગેશભાઈ અકબરી પર આ હુમલો કરાવ્યાનો સીધો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧)(એ) હેઠળ ગંભીર ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, સમગ્ર કેસની સુનાવણી દરમિયાન બચાવપક્ષ દ્વારા સતત એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફરિયાદ માત્રને માત્ર હસમુખભાઈ પેઢડિયા તથા યોગેશભાઇ અકબરીની સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને કલંકિત કરવાના બદઇરાદાથી કરવામાં આવેલી એક પાયાવિહોણી ફરિયાદ છે.