Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની જાહેરાત દોઢેક વર્ષ અગાઉ થઈ ત્યારે ઘણી અને મીઠડી વાતો કરવામાં આવી હતી પરંતુ આજે દોઢ વર્ષની કામગીરીઓ બાદ જોવા મળી રહ્યું છે કે, હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ યોજનાનું સૂરસૂરિયું થઈ ગયું છે. ખાનગી એજન્સી આ કામમાં સ્માર્ટ સાબિત થઈ શકી નથી. જો કે, તંત્ર આ નિષ્ફળતા માટે લોકોને જવાબદાર ઠેરવે છે.
જામનગર સહિતના હાલારમાં ગત્ ફેબ્રુઆરી-2024માં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી ત્યારે સારી સારી વાતો ઘણાં પ્રમાણમાં થઈ હતી. જો કે ખાનગી એજન્સી પરિણામલક્ષી કામગીરીઓ કરી શકી નથી. લક્ષ્યાંક અને સિદ્ધિની ટકાવારી કાઢો તો ખ્યાલ આવી જાય કે, 6 ટકા કામગીરીઓ પણ કરી શકાઈ નથી.
દોઢ વર્ષ અગાઉ યોજનાની જાહેરાત થઈ ત્યારે, એમ જાહેર થયેલું કે, માર્ચ-2025 સુધીમાં કામગીરીઓ 100 ટકા પૂર્ણ કરી કુલ સવા છ લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજમીટર લગાવી આપવામાં આવશે. આ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ, બીજા 6 મહિના પણ વીતી ગયા, ત્યારે હવે એવા આંકડા બહાર આવ્યા કે, હજુ સુધીમાં માત્ર 36,360 સ્માર્ટ વીજમીટર જ લગાવી શકાયા છે.
લક્ષ્યાંક અને ખરેખર કામગીરીઓ એ બંનેને ટકાવારી સ્વરૂપમાં જોઈએ તો વીજતંત્ર માત્ર 5.8 ટકા કામગીરીઓ કરી શક્યું છે. લોકોને સ્માર્ટ વીજમીટરમાં રસ નથી. વીજતંત્ર આ કામગીરીઓ ફરજિયાત કરી શકતું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, આગેવાનોના ઘરો તથા ઓફિસમાં આ સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવ્યા છે, એ પ્રચારની લોકો પર કોઈ જ અસર નથી. લોકો આ નવી બબાલમાં પડવા ઈચ્છતા નથી, લોકોને વિવિધ લોચાની દહેશત છે.
એક એક સ્માર્ટ વીજમીટર તંત્રને મોંઘુ સાબિત થઈ રહ્યું છે… વીજતંત્રએ હાલારમાં 36,360 સ્માર્ટ વીજમીટર લગાવવા પાછળ અત્યાર સુધીમાં રૂ.11.50 કરોડનો ખર્ચ કર્યો. જેમાં કર્મચારીઓના પગારો અને વાહનોના ખર્ચનો સમાવેશ થતો નથી.
-આ મામલામાં અધિક્ષક ઈજનેર શું કહી રહ્યા છે ?…
Mysamachar.in દ્વારા આજે સવારે આ બાબતે વાસ્તવિકતાઓ જાણવા માટે અધિક્ષક ઈજનેર હસિત વ્યાસનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, આ કામગીરીઓના અમલીકરણની જવાબદારીઓ સરકાર દ્વારા ખાનગી એજન્સીઓને સોંપવામાં આવી છે. લોકલ ઓથોરિટી તરીકે અમો તેમને ગ્રાહકો સુધી પહોંચાડવા સહયોગ આપી રહ્યા છીએ. પ્રેશર કૂકર અને રાંધણગેસ જેવી બાબતોની માફક ધીમેધીમે, ફાયદા જાણ્યા બાદ લોકો વ્યાપક રીતે સ્માર્ટ વીજમીટર અપનાવી લેશે.(symbolic image)