Mysamachar.in-ગાંધીનગર:
RTI એક્ટ ખૂબ સારો હોવા છતાં તેનો અમલ યોગ્ય રીતે કરાવવામાં આવતો ન હોય, તંત્રોમાં પેધી ગયેલા અધિકારીઓનું કોઈ કાંઈ બગાડી લેતું નથી અને એથી આ એક્ટના ખરાં લાભો નાગરિકો સુધી પહોંચતા નથી. આ મતલબની વિગતો બહાર આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમયાંતરે એવા આંકડાઓ જાહેર થાય છે કે, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ(પોલીસ) અને શહેરી વિકાસ વિભાગ ‘લાંચ લેવા’માં મોખરાના 3 ક્રમે રહે છે. અને, ખૂબી એ પણ છે કે, RTI અંતર્ગતની અરજીઓ પણ આ 3 વિભાગોમાં જ સૌથી વધુ થાય છે- મતલબ, આ 3 વિભાગોમાં ‘મેલ-દોષ’ સૌથી વધુ છે. ટૂંકમાં, દરેક મહાનગરના ત્રણેય મુખ્ય અધિકારીઓના વિભાગો સૌથી વધુ કલંકિત છે !
RTIના અમલને 20 વર્ષ થયા. આ એક્ટ અંતર્ગત અરજદારોને માંગવામાં આવેલી માહિતીઓ કાં તો આપવામાં આવતી નથી, કાં તો ભારે વિલંબ અને અનેક મગજમારી પછી આપવામાં આવે છે અથવા તો માહિતીઓ અધૂરી અને અસ્પષ્ટ આપવામાં આવે છે- એવો મોટાભાગના અરજદારોનો અનુભવ છે. આમ છતાં અચરજની વાત એ છે કે, આવા વર્તન અને વ્યવહાર બદલ માહિતી અધિકારીઓ દંડાતા નથી. પાછલાં 20 વર્ષમાં 0.93 ટકા મામલામાં જ અધિકારીઓને દંડ થયો, પૂરો એક ટકો પણ નહીં. એટલે કે, માહિતીઓ ‘દબાવી’ દેતાં જાહેર માહિતી અધિકારીઓને તંત્ર બચાવી લ્યે છે ! જેને પરિણામે અરજદારોમાં ભારે નિરાશા છે. તંત્રોમાં પારદર્શિતા કે ઝડપ વધતાં નથી, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. એકટનો અમલ પાંગળો પૂરવાર થઈ રહ્યો છે.
વહીવટી સુધારણા, રેકર્ડની જાળવણી અને RTIની જોગવાઈઓના અમલ બાબતે વિવિધ સરકારી વિભાગોને સામાન્ય વહીવટ વિભાગ માત્ર સૂચનાઓ જ આપે છે. આ સૂચનાઓ અધિકારીઓ ઘોળીને પી જાય છે, આમ છતાં સરકારનો સામાન્ય વહીવટ વિભાગ ‘કડક’ બનતો નથી, ખુદની સૂચનાઓનો પણ ‘અમલ’ કરાવતો નથી. પરિણામે, સરકારની છબિ ધૂંધળી બની રહી છે. સરકાર સામાન્ય વહીવટ વિભાગનો કાન આમળતી નથી. સરકારને આ સ્થિતિઓ પસંદ છે ? કે, અનુકૂળ છે ? એવા પ્રશ્નો સપાટી પર નાચી રહ્યા છે.
RTIની સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગને લગતી માહિતીઓ બાબતે થઈ રહી છે. આ ત્રણેય વિભાગોની ‘મથરાવટી’ આટલી બધી ‘મેલી’ કાં ? અરજદારોમાં આ ચર્ચાઓ છે.
વર્ષ 2024-25ના આંકડા કહે છે: RTIની કુલ અરજીઓ પૈકી 58 ટકા અરજીઓ આ 3 વિભાગમાં થઈ રહી છે. બાકીની 42 ટકા અરજીઓમાં સરકારના સેંકડો વિભાગો છે. આંકડા અનુસાર, 5.63 લાખ અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં- મતલબ, મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ સૌથી વધુ વિવાદાસ્પદ. બીજા ક્રમે 4.2 લાખ અરજીઓ પોલીસ વિભાગમાં. અહીં પણ સંતાડવાનું ઘણું છે, એમ દેખાઈ રહ્યું છે. અને, ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગમાં 2.59 લાખ અરજીઓ. આ વિભાગમાં પણ આંટીઘૂંટી અને કુંડાળાઓ ઘણાં- એવું આંકડાઓ પરથી સમજાઈ રહ્યું છે. આ ત્રણેય વિભાગોમાં પારદર્શિતા ઓછી અને ભ્રષ્ટાચાર વધુ. આ ત્રણેય વિભાગ સરકારના મહત્વપૂર્ણ અંગો છે અને નાગરિકો સૌથી વધુ આ વિભાગો સાથે સંકળાયેલા હોય છે.