Mysamachar.in-ગાંધીનગર;
એક તરફ રાજ્યમાં લાખો કાબેલ યુવાનો સરકારી નોકરીઓ માટે રીતસર તરફડાટ અને બેરોજગારી અનુભવી રહ્યા છે, બીજી તરફ સરકારમાં ‘બુઢા’ઓનો દબદબો યથાવત્ છે- આ સ્થિતિમાં સરકાર ગતિશીલ બને કેવી રીતે ?! એ પ્રશ્ન સપાટી પર આવ્યો છે. સરકારના સચિવાલય સહિતના વિવિધ સરકારી વિભાગોમાં, હજારો નિવૃત અધિકારીઓને ફરીથી ‘નોકરી’ આપવામાં આવતી હોવાનો સિલસિલો ઝડપભેર આગળ વધી રહ્યો છે. મોટાભાગના આવા અધિકારીઓને ફરીથી સરકારમાં સમાવી લેવામાં આવી રહ્યા હોય, સચિવાલય સહિતના ઘણાં સરકારી વિભાગો ‘ઘરડાંઘર’ બની ગયા છે તેથી નોકરીઓ ઈચ્છતા યુવક યુવતિઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે અને જાણકારો એમ પણ કહે છે કે, આથી સરકાર ગતિશીલ બની શકતી નથી કારણ કે આ વૃદ્ધ અધિકારીઓ અગાઉ પોતાના કાર્યકાળ દરમ્યાન ઘણી ‘ગોઠવણ’ કરી ચૂક્યા હોય છે, જે હજુ પણ ચાલુ છે !
સરકારના સામાન્ય વહીવટ વિભાગનો ખુદનો નિવૃતિ અંગેનો ઠરાવ પણ છે, છતાં આ ઠરાવનો સરેઆમ ભંગ કરવામાં આવે છે, અન્ય સરકારી વિભાગો માફક ખુદ સામાન્ય વહીવટ વિભાગમાં પણ ક્લાસ વન તથા ક્લાસ ટુ સરકારી અધિકારીઓને નિવૃતિ બાદ ફરીથી ‘નોકરીઓ’ આપવામાં આવી રહી છે.
પાછલાં 3 વર્ષ દરમ્યાન સરકારમાંથી નિવૃત થયેલાં 4,346 અધિકારીઓ પૈકી 2,322 નિવૃત અધિકારીઓને ફરીથી ‘નોકરીઓ’ આપી દેવામાં આવી. સચિવાલય ખુદ વૃદ્ધાશ્રમ બની ગયું છે. સરકારના જે વિભાગોમાં પોલિસી નક્કી થતી હોય તેવા મહત્વપૂર્ણ વિભાગોમાં પણ નિવૃત અધિકારીઓ ‘રાજ’ માણી રહ્યા છે, જેને કારણે ટેકનોક્રેટ અને યુવા અધિકારીઓમાં ખૂબ જ નારાજગીઓ છે.