Mysamachar.in-જામનગર:
યુવાનીમાં પગ મૂકી રહેલી યુવતિઓ, અને પરણિતાઓ પણ ઘર છોડી ભાગી જાય છે, કેટલીયે પરણિતા એવી પણ હોય છે જે એકાદ બે બાળકોને પણ સાથે લઈ ઘરને ‘આવજો’ કહી દે છે ! અત્રે ઉલ્લેખનિય છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ક્રેઝ વધી ગયા બાદ આ પ્રકારના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં સમગ્ર રાજ્યના એ આંકડાઓ બહાર આવ્યા છે કે, સેંકડો બાળકો અને યુવતિઓ તથા પરણિતાઓ ‘ગૂમ’ જાહેર થયા બાદ વર્ષો સુધી ‘પરત’ મળી આવતાં નથી. લોકોનો સામાન્ય અનુભવ એવો છે કે, આ પ્રકારના મામલાઓની તપાસમાં ભાગ્યે જ કોઈને રસ હોય છે. ઘણાં કિસ્સાઓમાં તો ગૂમ થનારના પરિવારજનોને પણ કોઈ રસ હોતો નથી !
હાલમાં એમ જાહેર થયું છે કે, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકની 3 યુવતિઓ ગૂમ થઈ ગઈ. જે પૈકી 2 યુવતિઓએ તો ગૂમ થવા અગાઉ કોઈ બહાનું પણ દેખાડયું નથી, સીધી જ અદ્રશ્ય ! આ પ્રકારની યુવતિઓ ક્યાં અદ્રશ્ય થઈ જતી હોય છે, એ અંગે લોકોમાં ભારે કુતુહલ જોવા મળતું હોય છે.
પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર, ધ્રોલ તાલુકાના લતીપરમાં રહેતી દક્ષા ચંદુભાઈ સરવૈયા નામની 18 વર્ષની યુવતી ગત્ તારીખ 30મી એ સવારમાં ઘરેથી અદ્રશ્ય થઈ ગઈ. ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામની 22 વર્ષની તૃષા અમરશીભાઈ શિયાર ગત્ તારીખ 23ના દિને ઘરેથી પ્રસંગમાં જવાનું કહી ગૂમ થઈ ગઈ. અને, ધ્રોલના ખાટકીવાસ નજીક ફૂલવાડી ચોકમાં રહેતી 19 વર્ષની અલજિના રજાકભાઈ કોચલીયા ગત્ તારીખ 11 ઓગસ્ટે ઘરમાં કશું કહ્યા વગર અદ્રશ્ય થઈ ગઈ. આ ત્રણેયમાંથી એકેય યુવતિનો હાલ કોઈ પતો નથી. પરિવારજનો ચિંતાઓ કરી રહ્યા છે. આ ઉપરાઉપરી 3 બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર છે.