Mysamachar.in-જામનગર:
સૌ જાણે છે એમ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વાહનો બેફામ ગતિએ દોડે છે, હજારો અકસ્માત થાય છે અને સંખ્યાબંધ લોકોના મોત થઈ રહ્યા છે તથા હજારો લોકોને નાનીમોટી ઈજાઓ થઈ રહી છે. આમ છતાં આ પ્રકારના ‘તોફાની’ વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહીઓ થતી નથી, જેને કારણે આવા તત્ત્વોને કાયદાનો ડર નથી.
તાજેતરમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઓવરસ્પીડથી ચાલતાં હજારો વાહનોને નિયંત્રણમાં લેવા સતત એક સપ્તાહ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાણવાલાયક બાબત એ છે કે, બેફામ ગતિથી વાહનો ચલાવવાની બાબતમાં જામનગર સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે ! અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર હાલાર પંથકમાં વાહનચાલકોની બેદરકારીઓ અને દાદાગીરીનો સૌને કડવો અનુભવ છે, આ જિવલેણ અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે.
બેફામ દોડતાં વાહનોના ચાલકો વિરૂદ્ધ તાજેતરમાં ઝુંબેશ ચલાવવામાં આવી તે દરમ્યાન સૌથી વધુ 598 કેસ બનાસકાંઠામાં નોંધાયા. જામનગરમાં આ ચેકિંગ સપ્તાહ દરમ્યાન 425 કેસ નોંધાયા. જે રાજ્યભરમાં બીજો ક્રમ છે. અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ સેંકડો કેસ દાખલ થયા. નવાઈની વાત એ છે કે, રાજકોટમાં સપ્તાહ દરમ્યાન માત્ર એક જ કેસ નોંધાયો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના તોફાની વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહીઓ કે સજાની કાયદામાં જોગવાઇઓ જ નથી. આથી આવા તત્ત્વોમાં કાયદાનો કોઈ ડર નથી. એક પૂર્વ ઉચ્ચ સરકારી અધિકારી કહે છે, આ ગુનામાં જે વાહનચાલક પ્રથમ વખત ઝડપાઈ જાય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સ્થળ પર જ સસ્પેન્ડ કરી નાંખવાની અને એ બદલ આકરા દંડની જોગવાઈ સરકારે કાયદામાં ફેરફાર કરી દાખલ કરવી જોઈએ કેમ કે આ બાબત અતિ ગંભીર છે.