Mysamachar.in-
જો તમે ફેસબુક, વોટ્સએપ કે ઈન્સ્ટાગ્રામ પર ‘ચેટ’ના શોખીન છો તો, જાણી લ્યો કે તમારી અમુક ચેટનો અમુક હિસ્સો કંપનીઓ ‘ઉપાડી’ લેશે. અને, આ ચેટનો ઉપયોગ બિઝનેસ માટે મતલબ માર્કેટિંગ માટે થશે ! આ અફવા નથી, સત્તાવાર જાહેરાત છે.
META કંપનીએ આ સત્તાવાર જાહેરાત કરી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરની આ વિગતોનો માર્કેટિંગ માટે ઉપયોગ થશે. કંપનીની જાહેરાત અનુસાર, આગામી 16 ડિસેમ્બરથી તમને આ લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નવા પ્રકારની જાહેરાતો જોવા મળશે. આ જાહેરાતો લોકોના એકાઉન્ટમાંની ચેટની વિગતો પર આધારિત હશે. AIની મદદથી આ ચેટડેટા કંપની એકત્ર કરી લેશે. પછી તમારે કઈ સેવા કે વસ્તુ ખરીદવી- તે અંગેની જાહેરાત તમને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર મોકલવામાં આવશે.
હાલમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરની યુઝર્સની કેટલીક વિગતોની ‘ચોરી’ કરી લેવામાં આવે છે. યુઝર્સની જાણ બહાર આમ થઈ રહ્યું છે. હવે તો કંપનીએ સત્તાવાર જાહેરાત કરી હોય, યુઝર્સના ડેટાની ‘ચોરી’ ઉપરાંત ‘લૂંટ’ પણ થશે. કંપનીની પ્રાયવસી પોલિસી પણ આ માટે બદલી નાંખવામાં આવી છે. કંપની કહે છે: અમે યુઝર્સના સંવેદનશીલ ડેટાને ‘અડતાં’ નથી. પણ વાસ્તવિકતાઓ જુદી છે, કંપનીઓ ડેટા ‘ઉઠાવી’ લ્યે છે. હેકર્સ પણ ડેટાચોરી કરે છે, બ્લેક માર્કેટમાં તેનું વેચાણ પણ કરે છે.