Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા વતી મેયર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આજે દશેરા-બીજી ઓકટોબર ગાંધી જયંતિથી શહેરમાં દૈનિક પાણી વિતરણ કેવી રીતે થઈ શકે, તે માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે, આજે બીજી ઓકટોબરથી શહેરના જુદાં જુદાં ઝોનમાં દૈનિક પાણી વિતરણ માટે તબક્કાવાર આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, હાલમાં જામનગરને પાણી પૂરૂં પાડતાં જળાશયોમાંથી કુલ 150 MLD પાણી દૈનિક ધોરણે મેળવવામાં આવી રહ્યું છે. અને શહેરના કુલ 13 ઝોનમાં એકાંતરા પાણી વિતરણ 45-45 મિનિટ કરવામાં આવે છે.
નવી વ્યવસ્થામાં પાણી વિતરણનો સમય 45 મિનિટમાંથી ઘટાડી 25 મિનિટ કરવામાં આવ્યો છે અને આજથી અલગઅલગ વિસ્તારોમાં અલગઅલગ તારીખથી દૈનિક પાણી વિતરણ પ્રારંભ થઈ શકશે. મેયર વિનોદ ખીમસૂર્યાએ જણાવ્યું છે, આ નવી વ્યવસ્થા અંતર્ગત આગામી એક માસની અંદર શહેરના લગભગ 70 ટકા જેટલાં વિસ્તારો (જૂનું જામનગર)ને દૈનિક પાણી વિતરણ પ્રણાલીમાં આવરી લેવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, આજે બીજી ઓકટોબરથી શહેરના રણજિતનગર અને સોલેરિયમ ESR હેઠળના વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણની વ્યવસ્થાઓનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આગામી 7 ઓક્ટોબરથી બેડી, નવાગામ ઘેડ તથા પવનચક્કી ઝોનમાં આ વ્યવસ્થાઓ શરૂ કરવા આયોજન છે. 12 ઓક્ટોબરથી મહાપ્રભુજી બેઠક અને શંકરટેકરી ઝોનમાં અને 17 ઓક્ટોબરથી ગુલાબનગર, જામનું ડેરૂ સહિતના ઝોનમાં આ નવી વ્યવસ્થાઓ શરૂ કરવા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
શરૂઆતના તબક્કામાં શહેરના 13 પૈકી 9 ઝોનમાં આ વ્યવસ્થાઓ અમલમાં મૂકવા તબક્કાવાર આયોજન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના ગોકુલનગર, જ્ઞાનગંગા, રવિ પાર્ક તથા સમર્પણ ESR હેઠળના વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ શરૂ કરવા હાલ પમ્પહાઉસથી રણજિતનગર, સોલેરિયમ અને સમર્પણ ESR સુધીની નવી પાઈપલાઈનની કામગીરીઓ ચાલુ છે.
આ ઉપરાંત નાઘેડી ખાતે નવો ફિલ્ટર પ્લાન્ટ અને ESR બનાવવાની કામગીરીઓ ચાલુ છે. આથી આ તમામ ઝોનમાં દૈનિક પાણી વિતરણ હાલ થઈ શકશે નહીં. અન્ય 9 ઝોનમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થાઓ સફળતાપૂર્વક અમલમાં આવી ગયા બાદ ઉપરોકત અન્ય 4 ઝોનમાં દૈનિક પાણી વિતરણ થઈ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દૈનિક પાણી વિતરણ માટે મહાનગરપાલિકાને દરરોજ 165 થી 170 MLD પાણીની જરૂરિયાત રહે.હાલ 150 MLD પાણી ઉપલબ્ધ છે. દૈનિક 15-20 MLD પાણીની હાલ જે ઘટ છે, તે વોટર વર્કસ શાખાના ઉપરોકત બાકી કામો પૂર્ણ થયે, પૂરી થઈ શકશે. ત્યારબાદ સમગ્ર શહેરમાં દૈનિક પાણી વિતરણ થઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મનપામાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાશન છે ત્યારે મેયરે ખુદ કબલ્યું રાજ્યની અન્ય તમામ મનપા દૈનિકધોરણે પાણી વિતરણ કરે છે ત્યારે હવેથી જામનગર મનપા પણ આ દિશામાં આગળ વધી છે.