Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલે તા. 1 ઓક્ટોબરથી સરકારી આયોજન ખેલમહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે, આજે એ હકીકત બહાર આવી કે, ગત્ ખેલમહાકુંભની પ્રોસેસમાં જામનગર અને રાજ્યના રમતગમત વિભાગે લોચા જ લોચા માર્યા છે. અને હવે આ લોચા સૂલટાવવા સંબંધે તંત્ર દાવો કરી રહ્યું છે.
જામનગરમાં ગત્ ખેલમહાકુંભના વિજેતા એવા હજારો ભાઈબહેનોની સરકારે મશ્કરી કરી છે- હજુ સુધી ઈનામો આપ્યા નથી. જામનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા આજે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને આવેદનના રૂપમાં એક રજૂઆત કરવામાં આવી છે.
યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તોસિફખાન પઠાણની આગેવાનીમાં થયેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, ખેલમહાકુંભનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. પરંતુ ગત્ વર્ષે જે ખેલાડી ભાઈઓ અને બહેનો આ રમતોત્સવમાં વિજેતા થયેલાં તે પૈકી 80 ટકા લોકોને આજની તારીખે ઈનામોની રકમો કે સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી !
આ રજૂઆત સમયે, પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી શક્તિસિંહ જેઠવા, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરે સાથે જોડાયા હતાં. આ રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે, આ ખેલમહાકુંભ ફક્ત અને ફક્ત દેખાડો કરવાની સ્પર્ધા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે સાંજ સુધીમાં આ રજૂઆત મુજબની માંગ સ્વીકારવામાં આવશે નહીં તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી.
-જામનગર જિલ્લા રમતગમત અધિકારીએ એકરાર કર્યો કે…
આ રજૂઆત સંબંધે અધિકારીએ એકરાર કર્યો કે, જામનગર ગ્રામ્ય વિસ્તાર માટેના ગત્ ખેલમહાકુંભના 5,511 વિજેતા પૈકી 4,769 વિજેતાને ઈનામોની રકમ આપવામાં આવી નથી, આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે. અન્ય 742 વિજેતાની વિગતોમાં અધૂરપ તથા ભૂલો હોય, એમને દસેક દિવસમાં ઈનામોની રકમો આપવામાં આવશે.
આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે, ગત્ ખેલમહાકુંભના જામનગર શહેરના 3,125 વિજેતા ભાઈબહેનો પૈકી 2,371 વિજેતાને ઈનામોની રકમો મળી નથી. આજે સાંજ સુધીમાં આપી દેવામાં આવશે અને અન્ય 754 વિજેતાની વિગતો સુધારવાની હોય, એમને દસેક દિવસમાં ઈનામોની રકમો આપી દેવામાં આવશે.
આ આખા વિષયમાં રસપ્રદ અને અચરજની વાત એ છે કે, આ કચેરી જે કામો પાછલાં 365 દિવસ દરમ્યાન કરી શકી નથી, એ કામ આજે સાંજ સુધીમાં અને આગામી દસ દિવસ દરમ્યાન કરી દેખાડવાનો હાસ્યાસ્પદ દાવો, આજની આ રજૂઆત અને આંદોલનની ચીમકી પછી, કરી રહી છે ! આવતીકાલે ખેલમહાકુંભ શરૂ થઈ રહ્યો છે.