Mysamachar.in-ગાંધીનગર:
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આગામી તા. 3 અને 4 ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ, બેસ્ટ પ્રેકટિસીસ, ઇનોવેશન કેસ સ્ટડી તથા પોલિસી સ્ટ્રકચર વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.
ડૉ. જયંતી રવિએ આ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશભરના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ સહભાગી બનીને વિચાર વિમર્શ કરશે.
જેમાં દેશના રાજ્યોના જમીન રેકોર્ડ તથા આપદા વ્યવસ્થાપન સંબંધિત બાબતો, જમીન સિસ્ટમ અને રેકોર્ડનો ઐતિહાસિક વિકાસ વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. તેમજ જમીન ટાઈટલ અને મહેસૂલી, પેપરલેસ ઓનલાઈન રજીસ્ટ્રેશન, જમીન રેકોર્ડ મેનેજમેન્ટ અને નગર રચના, રેવન્યુ અને સિવિલ કોર્ટ કેસ તથા પેપરલેસ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જમીન વહીવટ માટે સ્ટાફિંગ અને માનવ સંસાધન વ્યવસ્થા જેવા વિષયો ઉપર પણ વિશદ ચર્ચા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, આ કોન્ફરન્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, વિવિધ રાજ્યોના વિશેષજ્ઞો, NIC, Survey of India, NDMA, GSDMA, BISAG-N, NIC, GNLU, IIM-A, IIT-Gn, ISRO, CEPT, TISS, બેન્કિંગ સેક્ટર, ટેક કંપનીઓ, CREDAI, Advocates, Land Stack જેવી સંસ્થાઓની પણ સહભાગિતા પ્રાપ્ત થશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર બે દિવસના આ રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત રાજયમાં રી-સર્વે પ્રવૃત્તિઓ – પડકારો, તેના ઉકેલ તથા બેસ્ટ પ્રેક્ટિસિસ ઉપર પણ ચર્ચા વિચારણા કરીને ફોકસ કરવામાં આવશે. તેમજ આપદા નિવારણ ક્ષેત્રે બેસ્ટ પ્રેક્ટિસિસનું અનુભવ-શેરિંગ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યની આધુનિક સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોની સફળ યજમાનીનો અનુભવ આ કોન્ફરન્સને સફળ બનાવવામાં સહાયક બનશે તેમજ “ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP)” ના લક્ષ્યો હાંસલ કરવા દિશામાં આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે જેમ કે, જમીન રેકર્ડસના મોડર્નાઇઝેશન સંદર્ભે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અનુભવો અને બેસ્ટ પ્રેકટીસીસનું આદાનપ્રદાન, જમીનના ટાઇટલ અને મહેસૂલી કાયદાઓ સંદર્ભે કાયદાકીય સુધારાઓનો અભ્યાસ, ઇ-રજિસ્ટ્રેશન, શહેરી જમીન આયોજન અને રિસર્વે માટે ટેકનોલોજી આધારિત ઉકેલોનું નિદર્શન, આપત્તિ શમન, રાહત અને પુનર્વસન આયોજનમાં શ્રેષ્ઠ પ્રથાઓનું મૂલ્યાંકન, વિવાદોના ઉકેલ અંગેની વ્યવસ્થા સહિત ઇન્ટીગ્રેટેડ, ટેકનોલોજી-ઇનેબલ્ડ જમીન વ્યવસ્થાપન માટે નેશનલ રોડમેપ બનાવવા સર્વસંમત્તિ સાધવીનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સ અલગ અલગ સાત થીમ પર આધારિત છે.