Mysamachar.in-બોટાદ:
સામાન્ય રીતે ધોરીમાર્ગો પર 2 પ્રકારની બાબતો વધુ જોવા મળે છે, જે ઘાતક અકસ્માત સર્જે છે. એક..ધોરીમાર્ગ પર મોટા વાહનો આડેધડ ઉભેલા અથવા પાર્ક થયેલા જોવા મળે છે. બે…વાહનચાલકો ખુદની બેદરકારીઓને કારણે આવા ઉભેલા વાહનોની પાછળ પોતાનું વાહન ધડાકાભેર ઘૂસાડી અકસ્માત સર્જે છે ! આવો વધુ એક ઘાતક અકસ્માત આજે વહેલી સવારે બોટાદ જિલ્લામાં સર્જાયો. જેમાં 3 નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો.
આજે સવારે બોટાદ જિલ્લાના પાળિયાદથી સાકરડી જવાના રસ્તા પર એક ટ્રક ઉભો હતો તેને પાછળથી એક ખાનગી બસે જોરદાર ટક્કર લગાવી. આ અકસ્માતમાં 3 પ્રવાસીઓના મોત થયા છે 20 લોકો ઘાયલ થયા છે. આ બસમાં 50 થી વધુ લોકો બેઠેલા હતાં.
જાણવા મળે છે કે, હીરાના એક કારખાનેદાર પોતાના કારખાનામાં કામ કરતી યુવતિઓ, મહિલાઓ અને યુવકોને લઈ ખોડલધામ પ્રવાસે ગયેલા અને ત્યાંથી આ બસમાં પરત ફરી રહ્યા હતાં ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓના નામ મુકેશ બુધાભાઈ ગોહિલ ( કારખાના માલિક) , વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અને અલ્પેશ બચુભાઈ વસાણી ( ત્રણેય મૃતક બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના હતાં). અકસ્માતમાં ઘાયલ 20 લોકો પૈકી કેટલાંક ઘાયલોને રાણપુર સારવાર આપવામાં આવી રહી છે, અન્ય ઘાયલોને બોટાદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.