Mysamachar.in-જામનગર:
બે દિવસ અગાઉ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ હતી કે, 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. કચ્છના અખાત અને બંગાળની ખાડીમાં ડેવલપ થયેલી નવી વરસાદી સિસ્ટમના આધારે આ આગાહી કરવામાં આવી હતી. ગુજરાત માટે આ આગાહી સાચી સાબિત થઈ છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં કહેવાયું છે, આજે ફરી એકવાર વરસાદ આવી શકે છે.
જામનગર શહેર અને જિલ્લામાં ભારે ગરમીનો આતંક રહે છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રીથી વધતું વધતું 35 ડિગ્રી સુધી છેક પહોંચી ગયું. ભાદરવા જેવો તડકો આસો માસની નવરાત્રિ દરમ્યાન. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ જે 65-70 ટકા રહેતું હતું તે વરસાદી સિસ્ટમને કારણે એકદમ વધી 98 ટકા થઈ જતાં લોકો બેફામ બફારો અને અકળામણ અનુભવી રહ્યા હતાં એ દરમ્યાન ગત્ રાત્રે વરસાદ તૂટી પડ્યો.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ બધે જ ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે. જામનગર તાલુકાના વસઈમાં 3 અને અલિયાબાડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત લાલપુરના મોડપરમાં પણ અઢી ઈંચ વરસાદ વરસી ગયો.
આ સાથે જ લાખાબાવળ, મોટી બાણુગાર, પીઠડ, ખરેડી, નવાગામ, વાંસજાળીયા, ધુનડા અને પડાણા સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સાથે જ જામનગર (બે ઈંચ) સહિતના બધાં જ તાલુકામથકોએ વરસાદ નોંધાયો છે.
આ વરસાદને કારણે કોમર્શિયલ નવરાત્રિ આયોજનો અને શેરીગરબા એમ બધી જ જગ્યાઓ પર રંગમાં ભંગ પડ્યો. આયોજકો અને ખેલૈયાઓમાં દોડધામ થઈ પડી. ઠેરઠેર પાણી ભરાયા. ખેલૈયા અને દર્શકોની તૈયાર થવાની મહેનત તથા ઉમંગ પર પાણીપાણી થઈ ગયું. આયોજકો ચિંતાઓમાં પડી ગયા, નવરાત્રિના બાકી રહેલાં આખરી દિવસોમાં શું થશે ??