Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં નેપાળના એક દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા હિન્દુ આદિવાસી સહિતના લોકોને વિવિધ પ્રકારે લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા સબબ અહીંના મહિલા કાર્યકર દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અહીંના વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ અને જાણીતા મહિલા કાર્યકર કિરણબેન ભીખાલાલ સરપદડીયા (ઉ.વ. 60) નામના સમાજસેવિકા દ્વારા નેપાળના સુરખેત જિલ્લાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલની પાછળના ભાગે એક આસામીના મકાનમાં રહેતા દીપક રઘુવીરસિંહ ગુરુસિંગ બીશ્વકર્મા (ઉ.વ. 45) તેમજ તેના પત્ની દીપાબેન દીપક બીશ્વકર્મા (ઉ.વ. 40) ઉપરાંત મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબઠ તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ચપર ગામે રહેતા મુકેશ સુભાષભાઈ અજનાર સામે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ આ વિસ્તારના હિન્દુ આદિવાસી સમાજના મહિલાઓ તથા પુરુષોને આર્થિક પ્રલોભન આપવાની લાલચ આપીને ગેરકાયદેસર રીતે તેઓને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે નેપાળના દંપતી તેમજ અન્ય એક શખ્સ મળી ત્રણેય સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)