Mysamachar.in-ગાંધીનગર:
પાટનગર ગાંધીનગરમાં રહેતાં એક શખ્સે પોતાના એક ગાઢ મિત્ર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીઓ કરી હોવાની વિગતો પોલીસ ફરિયાદ દ્વારા જાહેર થઈ છે.
ગાંધીનગરના વેપારી ભાવિક પટેલએ આ ફરિયાદ પોતાના જ મિત્ર નિરવ મહેન્દ્રભાઈ દવે (રહે. ગાંધીનગર) વિરુદ્ધ નોંધાવી છે. નિરવ નામનો આ શખ્સ ફરિયાદી ભાવિક પટેલને ગુજરાત ટુરિઝમના નામના તથા સુરત મહાનગરપાલિકાના નામના જુદાજુદા પરંતુ ‘નકલી’ ટેન્ડર દેખાડતો અને કહેતો આમાં રોકાણ કરો, કમાણી થશે. મિત્રની વાતોમાં આવી આ ફરિયાદીએ કુલ રૂ. 20.70 કરોડનું રોકાણ કર્યું. એ બધાં જ નાણાં ‘ભૂત’ થઈ ગયા.
આ શખ્સે ફરિયાદીને પાટણની રાણકી વાવ, દ્વારકાના શિવરાજપુર બીચના વિકાસનું કામ (રૂ. 5.15 કરોડ), તાપી રિવરફ્રન્ટ બ્યુટીફિકેશનનું કામ તથા અમરેલીના એક કામના- એમ જુદાજુદા ‘નકલી’ ટેન્ડર દેખાડી ફરિયાદી પાસે કુલ રૂ. 20.70 કરોડનું રોકાણ કરાવી લીધું. આ નાણાં ફરિયાદીને પરત આપ્યા નથી અને એકેય કામ મળેલું નથી.
આથી ફરિયાદીને ખ્યાલ આવી ગયો કે, પોતે આ મામલાઓમાં છેતરપિંડીઓનો ભોગ બની ગયા છે. જે અનુસંધાને આ ફરિયાદ દાખલ થઈ. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં આ ફરિયાદી અને આ આરોપી એક ખાનગી ટેલિકોમ કંપની સાથે સંકળાયેલા હતાં અને ત્યારબાદ મિત્ર બન્યા હતાં. ત્યારબાદ ફરિયાદીએ અનેક વખત આ આરોપીને નાનીમોટી રકમ હાથઉછીના તરીકે આપેલી. આરોપીએ દરેક વખતે વળતર સાથે ફરિયાદીને મૂળ રકમ પરત આપી ફરિયાદીનો ભરોસો જિતી લીધો હતો અને બાદમાં આ રૂ. 21 કરોડની રકમ જેટલો આ ‘ખેલ’ રમી લીધો.