Mysamachar.in-જામનગર:
જામનગર પંથકના કેટલાંક ગામોના ખેડૂતો અનિયમિત વીજપૂરવઠો અને વીજપૂરવઠાના અભાવને કારણે હેરાન પરેશાન છે. મગફળીનો લાખો રૂપિયાનો પાક સિંચાઈના પાણીથી વંચિત રહેવાને કારણે નિષ્ફળ જવાની સ્થિતિઓ ઉભી થઈ છે, આથી ખેડૂતોએ સ્થાનિક વીજ સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી છે.
જામનગરની ચેલા જિ.પં. બેઠકના મહિલા સદસ્ય જુલેખાબેન ખફીની આગેવાની હેઠળ આજે બપોરે ખેડૂતોએ વીજ સત્તાવાળાઓને આવેદન આપી લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, વાવ બેરાજા- ચાંપા બેરાજા અને મસીતીયા ગામના ખેડૂતોએ મગફળીનું મોટું વાવેતર કર્યું છે. હાલમાં આ પાકને સિંચાઈના પાણીની ખાસ જરૂર છે. પરંતુ વીજપૂરવઠાના વાંકે પાકને પાણી આપી શકાતું નથી.
વીજતંત્ર ખેડૂતોને 8 કલાક વીજપૂરવઠો આપે છે પરંતુ આ 8 કલાકમાં 5-10 વખત વીજપૂરવઠો ટ્રીપીંગને કારણે બંધ થઈ જાય છે. આથી પાક પાણી વગરનો રહે છે. વીજતંત્ર સમક્ષ ફરિયાદ બાદ પણ સ્થિતિઓ સુધરતી નથી. આથી ખેડૂતોની સ્થિતિઓ ગંભીર બની છે. હજારો હેક્ટર જમીન પર આ પાક ઉભો છે. ખેડૂતોએ મોટા ખર્ચ કરીને આ વાવેતર કર્યું છે.
આ ઉપરાંત વીજપૂરવઠાની અનિયમિતતાઓને કારણે ખેડૂતો 24 કલાકમાં માત્ર 2-3 કલાક જ ઉંઘ લઈ શકે છે. જામનગરના ગોકુલનગર વિસ્તારના વીજસબડિવિઝન હેઠળ 10 ગામો અને શહેરના કેટલાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. જેને કારણે આ વિસ્તારોમાં વીજળીની તકલીફ રોજિંદી બાબત બની ગઈ છે, ખેતી માટેના વીજફીડરોમાં બહુ તકલીફ રહે છે.