Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા આયોજિત મેળામાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનું પ્રકરણ વિપક્ષના આક્રમક વલણને કારણે આગળ વધી શક્યું છે, જેમાં ભારે ઉહાપોહ થયા બાદ કોર્પોરેશને એક અધિકારી અને એક કરાર આધારિત કર્મચારીને નોટિસ આપી છે.
ગત્ શ્રાવણી લોકમેળામાં મહાનગરપાલિકાએ એક ધંધાર્થી પાસેથી ટેન્ડરની રકમનો ડિમાંડ ડ્રાફ્ટ એક મહિનાના વિલંબ પછી લીધો અને એક ધંધાર્થી પાસેથી નિયમભંગ કરી ડિમાંડ ડ્રાફ્ટને બદલે ચેક લીધો અને એ ચેક પણ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવાને બદલે ‘પોકેટ’માં રાખી મૂક્યો ! આટલી વિગતો વિપક્ષ બહાર લાવ્યો, તેથી મહાનગરપાલિકા ‘ઉઘાડી’ પડી ગઈ.પછી તપાસ અને નોટિસની કાર્યવાહીઓ કરવી પડી. મહાનગરપાલિકાએ એસ્ટેટ ઓફિસર હરેશ વાણિયા અને વર્ક આસિસ્ટન્ટ ચેતન માંડવિયાને નોટિસ આપી ખુલાસો પૂછ્યો છે.
આજે સવારે Mysamachar.in દ્વારા આ સંબંધે નોટિસ મેળવનાર એસ્ટેટ ઓફિસર હરેશ વાણિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, આ આખા મામલા સંબંધે ખાસ કરીને પાર્ટી પાસેથી મેળવેલા ચેક સહિતના પ્રકરણ અંગે મહાનગરપાલિકાએ પૂછાણ કર્યું છે. આ ઉપરાંત વર્ક આસિસ્ટન્ટ ચેતન માંડવિયા દ્વારા અધિકારી સમક્ષ ફાઈલ યોગ્ય રીતે પુટ અપ શા માટે ન કરવામાં આવી ? એવો નાનકડો વાંધો કાઢીને તેને પણ નોટિસ આપવામાં આવી છે. એકાદ બે દિવસમાં આ નોટિસના જવાબ આપી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાએ જેતે સમયે એમ જાહેર કરેલું કે, લોકમેળાની કુલ આવક રૂ. 2.07 કરોડ થઈ છે. વિપક્ષ કહે છે, આ રકમ પૈકી રૂ. 1.66 કરોડની રકમ જ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થઈ છે ! બાકીના રૂ. 41 લાખ ક્યાં ? આ પ્રશ્ન શહેરમાં ચર્ચાઓમાં છે, જો કે તંત્ર તથા શાસકો પાસે પણ આ પ્રશ્નનો જવાબ નથી !