Mysamachar.in-ગાંધીનગર:
મે-2009માં ગુજરાત પોલીસે ઘેટીયાના નામે ઓળખાતા એક પરપ્રાંતીય આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું. 16 વર્ષ બાદ ફરી એક એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર ગાંધીનગર ક્રાઈમ બ્રાંચના હાથે થયું છે.
ગત્ શુક્રવારની મોડી રાતે અંબાપુર કેનાલ નજીક એક વૈભવી કારમાં એક યુવક અને યુવતી બેઠાં હતાં. આ સમયે ત્યાં એક શખ્સ ત્રાટક્યો. તેણે પાછલી સીટ પર બેઠેલાં યુવકને છરીના ઉપરાઉપરી 12 ઘા માર્યા. 25 વર્ષના વૈભવ નામના આ યુવકનું મોત થયું. આ ઉપરાંત આ હત્યારાએ કારમાં યુવક સાથે રહેલી 23 વર્ષની યુવતીને છરીના 17 ઘા માર્યા. આ યુવતીની સારવાર થઈ રહી છે.
આ બનાવના 72 કલાક દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ખૂનીને રાજકોટ નજીકના કાગદડી પાસેથી ઝડપી લીધો. અને ગાંધીનગર ક્રાઈમ બ્રાંચને તપાસ માટે સોંપી દીધો. ત્યારબાદ ગત્ રોજ સાંજે ગાંધીનગર LCB આ આરોપીને હત્યાની તપાસ માટે અંબાપુર કેનાલ નજીક ઘટનાના રિ કન્ટ્રક્શન માટે લઈ ગઈ. પોલીસના કહેવા અનુસાર, આ શખ્સે એ સમયે પોલીસની રિવોલ્વર આંચકી લેવાનો પ્રયાસ કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો અને આ આરોપી માર્યો ગયો.
એમ પણ જાહેર થયું કે, એન્કાઉન્ટર અગાઉ આ શખ્સ પોલીસની રિવોલ્વર આંચકી લેવામાં સફળ રહ્યો હતો અને તેણી પોલીસ પર ફાયરીંગ પણ કર્યું. આ ફાયરીંગમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ઈજાઓ થતાં તેઓ ગંભીર છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાં વિપુલને ચાર ગોળી વાગી હતી કે પાંચ તે વિગતો જો કે બનાવ સમયે જાહેર થઈ ન હતી.
DGP વિકાસ સહાયે આ એન્કાઉન્ટર અંગે બોલતાં જણાવ્યું કે, પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં બદનસીબે આરોપી માર્યો ગયો છે. પોલીસના કહેવા અનુસાર, આ આરોપી સાયકો કીલર હતો. અગાઉ પણ આવી એક હત્યા તેણે નિપજાવી હતી. હાલમાં આ આરોપી જામીન પર મુક્ત હતો, તે દરમ્યાન આ બધું બની ગયું.