Mysamachar.in:જામનગર:
જામનગરની જિવાદોરી સમાન બ્રાસઉદ્યોગમાં અર્ધ તૈયાર અને તૈયાર માલસામાનની હેરફેર ‘હેરાફેરી’ના રૂપમાં ચાલી રહી છે, એવું અમદાવાદની GST ટીમના ધ્યાનમાં આવી જતાં ઉદ્યોગકારોએ રૂ. 30 લાખનો દંડ ભરવો પડ્યો છે.
થોડાં દિવસ અગાઉ ગત્ સપ્તાહમાં અમદાવાદ GSTની એક ટીમ જામનગર આવી હતી. આ ટીમે શંકરટેકરી ઉદ્યોગનગર અને દરેડ ઉદ્યોગનગર વચ્ચે થતી બ્રાસ માલસામાનની હેરફેરની ચકાસણીઓ કરવા રેલ્વે ઓવરબ્રીજ નજીકનું એક લોકેશન પસંદ કર્યું હતું. ટીમને બાતમી મળી હતી કે, કરચોરી માટે અહીં કાંઈક કુંડાળાઓ ચાલી રહ્યા છે.
આ ટીમે ઓવરબ્રીજ નજીક સાતેક જેટલાં છકડારિક્ષા અને અન્ય એક વાહન મળી કુલ આઠ વાહનની તપાસણી કરી હતી. તપાસ દરમ્યાન અધિકારીઓના ધ્યાન પર આવ્યું કે, આ માલસામાનની હેરફેર નથી, હેરાફેરી છે. જરૂરી બિલો સહિતના દસ્તાવેજોની ગેરહાજરીમાં હેરાફેરી ચાલી રહી છે. કેટલાંક કાગળો કાચા છે. અમુક વાહનચાલકોએ તો ટીમને કાગળો દેખાડવાની પણ ના પાડી હતી.
ત્યારબાદ અધિકારીઓએ ત્રીજું નેત્ર દેખાડયું. આ માલસામાન પર 136 ટકા પેનલ્ટી ઝીંકી દીધી. આ પેનલ્ટી હુકમો અનુસાર જામનગરના કેટલાંક બ્રાસ ઉદ્યોગકારોએ આ મામલામાં રૂ. 30 લાખનો દંડ ભરવો પડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની ‘હેરાફેરી’ રોજિંદી બાબત છે, અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ મામલો જયારે ગાજેલો ત્યારે બંને એસોસિએશને એવો દાવો કરેલો કે તંત્ર દ્વારા થઈ રહેલી આ કાર્યવાહીઓ યોગ્ય નથી. જો કે ત્યારબાદ પણ તંત્રએ આ મામલામાં ધાર્યું જ કર્યું હોય તેમ સુત્રો જણાવે છે.