Mysamachar.in-જામનગર:
જામનગરની એક વિવાદાસ્પદ શૈક્ષણિક સંસ્થાના એક શિક્ષકે 2 વિદ્યાર્થીના માથાના વાળ કાપી નાંખવાની ‘સજા’ કર્યાના મામલામાં શિક્ષકને પણ પોતાના આ કૃત્ય બદલ ‘સજા’ આપવામાં આવી છે. જેને કારણે શૈક્ષણિક વર્તુળોમાં ઘણાંયે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
જામનગરના નાઘેડી નજીક એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલમાં આવેલાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં તાજેતરમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીના માથાના વાળ કાપી નાંખવામાં આવ્યાનો વિવાદ થયા પછી આ મામલામાં તપાસના અંતે બહાર આવ્યું છે કે, વાલીઓની ફરિયાદમાં તથ્ય છે અને ગુરુકુલે આ શિક્ષકને સજારૂપે નોકરીમાંથી બરતરફ કરી દીધો છે.
આ સમગ્ર બનાવ અંગે આજે સવારે Mysamachar.in દ્વારા DPEO વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે જણાવ્યું કે, TPO દ્વારા આ સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી છે. ફરિયાદમાં તથ્ય હોવાનું બહાર આવ્યું છે. સંસ્થાએ આ ધનંજય નામના શિક્ષકને નોકરીમાંથી છૂટો કરી દીધો છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, આ શાળામાં અન્ય એક વિદ્યાર્થી સાથે પણ આમ બન્યું હોવાનું બાળકના માતાએ કહ્યું છે.
આ ઉપરાંત DPEO એ જણાવ્યું કે, નવાનગર હાઈસ્કૂલના આ પ્રકારના બનાવમાં શિક્ષિકા દ્વારા શો-કોઝ નોટિસનો જવાબ દાખલ કરવામાં આવશે. જો કે આ પ્રકારના મામલા એક અર્થમાં શિક્ષકો અને સંસ્થાઓ માટે આત્મચિંતનનો વિષય પણ છે. શા માટે આવું બની રહ્યું છે, તે સૌએ વિચારવું પડશે. તંત્ર દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં કસૂરવાર શિક્ષકો પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દેખાડવામાં આવી રહી નથી. નિયમો અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વામીનારાયણ ગુરુકુલના એજ્યુકેશન ડાયરેક્ટર શશિ દાસે પણ સ્વીકાર કર્યો કે, આ પ્રકારના 3-4 બનાવ બન્યા હતાં. જેતે સમયે સંબંધિત કર્મચારીને ઠપકો પણ આપવામાં આવ્યો છે. અને કર્મચારીને નોકરીમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે.