Mysamachar.in-જામનગર:
એક તરફ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, બીજી તરફ શહેરની મિશનરી શાળાઓમાં તિલક અને ચાંદલો જેવી બાબતોને લઈ વિવાદ શરૂ થયો છે. શહેરની એક સંસ્થાએ આ સંબંધે રાજ્યના શિક્ષણ સચિવને એક પત્ર લખ્યો છે.
જામનગરની વીરબાઈ જલીયાણ વાલીમંડળ સંસ્થાના પ્રમુખ કિશોર મજીઠીયાએ શિક્ષણ સચિવને એક પત્ર મોકલ્યો છે અને આ પત્રની નકલો સાંસદ તથા ધારાસભ્યોને મોકલવામાં આવી છે. ખ્રિસ્તી સમુદાય સંચાલિત મિશનરી શૈક્ષણિક સંસ્થાઓમાં હિંદુ ધર્મના પ્રતીકો સંબંધે શું સ્થિતિઓ છે, તે અંગે આ પત્રમાં લખાયું છે.
આ પત્ર કહે છે: સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ આન્સ અને સેન્ટ મેરી જેવી મિશનરી શૈક્ષણિક સંસ્થાઓમાં લઘુમતી કાયદાનું પાલન થતું નથી. લઘુમતી વર્ગના સંતાનોને આ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ સંસ્થાઓ છાત્રોને ફરજિયાત રીતે અમુક બુકસ અને પુસ્તકો લેવા દબાણ કરે છે.
પત્રમાં જણાવાયું છે: આ શૈક્ષણિક સંસ્થાઓ નવરાત્રિ દરમિયાન બાળાઓને ગરબીમાં રહેવાની ના પાડે છે. ઉજાગરાને કારણે કોઈ છાત્રા બીજે દિવસે સવારે સ્કૂલે આવવામાં લેટ થાય તો સજા આપવામાં આવે છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ છાત્રા કપાળમાં તિલક, ચાંદલો કરીને કે હાથમાં મહેંદી લગાવી આવે તો તે છાત્રાને એમ કરતાં રોકવામાં આવે છે.
આ પત્રના અંતમાં જણાવાયું છે કે, આ શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સિપાલના ડરથી વાલીઓ ફરિયાદ કરતાં ખચકાઈ રહ્યા છે. આ વાલીઓએ આ વાલીમંડળને રજૂઆત ફરિયાદ આપી છે. આ પ્રકારની મિશનરી શૈક્ષણિક સંસ્થાઓ સંબંધે વાલીમંડળને અનેક ફરિયાદ મળી રહી છે.