Mysamachar.in-ગાંધીનગર:
જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને જિ.પં.ચૂંટણીઓને લઈ લાખો લોકો જાતજાતના અનુમાન કરી રહ્યા છે, તર્ક લડાવી રહ્યા છે અને ચર્ચાઓ કરી રહ્યા છે અને રાજકીય પક્ષો અને નેતાઓ ખાનગીમાં લાંબા સમયથી ચોકઠાં ગોઠવી રહ્યા છે, ચૂંટણીપંચ અને સરકાર લેવલે પણ આ અંગેની ગતિવિધિઓ ધીમી ગતિ સાથે શરૂ થઈ ચૂકી છે.
ગાંધીનગરથી ચૂંટણીપંચ દ્વારા ગ્રામ્ય વિસ્તારો માટે એટલે કે જિલ્લા પંચાયત સ્તરે રોટેશન મામલો હાથ ધરવામાં આવ્યો છે. આ સંબંધે ગાઈડલાઈન પણ બહાર આવી ચૂકી છે. સૂત્ર અનુસાર, તાલુકા પંચાયત અને જિ.પં.ચૂંટણીઓમાં પ્રથમ SC-ST રોટેશનની ફાળવણી જાહેર થશે, ત્યારબાદ OBC રોટેશન હાથ ધરવામાં આવશે.જો કે આ અંગે સતાવાર જાહેરાત થઇ નથી
સૂત્ર કહે છે: 2015, 2018 અને 2021 માં પંચાયતોની જે સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, તે સમયે બેઠકોની જે ફાળવણી કરવામાં આવી હતી તે બેઠકોનું પુનરાવર્તન ન થાય તે રીતે વારાફરતી બેઠક ફાળવણી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2011 બાદ વસતિ ગણતરી થઈ જ નથી. 2021માં ગણતરી કરવાની હતી પરંતુ ત્યારે કોરોના ત્રાટકતા આ કામગીરીઓ હજુ સુધી બાકી જ રહી ગઈ છે. કેટલીક તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતોમાં જૂની વસતિ ગણતરી મુજબ મતદાર મંડળ રચના એટલે કે સીમાંકન થયું છે.
બેઠક ફાળવણીમાં રોટેશનનો ક્રમ આ રીતે રહેશે. પ્રથમ SC-ST બેઠકોની ફાળવણી, પછી OBC સ્ત્રી અનામત, પછી OBC પુરુષ અને પછી જનરલ બેઠકોની ફાળવણી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રથમ વખત 27 ટકા OBC અનામતનો અમલ થશે, જેથી જનરલ બેઠકો સ્વાભાવિક રીતે જ 17 ટકા ઘટશે. સ્ત્રી અનામત પાછલી ચૂંટણીઓ સંદર્ભે આ વખતે રિપિટ ન થાય તે રીતે ફાળવણીમાં ફેરફાર થશે, એમ પણ સૂત્ર ઉમેરે છે.