Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની સાથે સાથે આજથી જામનગરમાં પણ નવરાત્રિ પ્રારંભ સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું સજ્જડ આયોજન ગોઠવવામાં આવ્યું છે, જેમાં નવરાત્રિ આયોજકો માટે વિવિધ સૂચનાઓ અને આદેશોના કડક પાલનનો પણ સમાવેશ થાય છે.
જામનગર પોલીસે નવરાત્રિ આયોજન સંદર્ભે લોકોની જાણ ખાતર વિવિધ બાબતોની જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, શાંતિમય વાતાવરણમાં ઉમંગથી લોકો આ તહેવાર ઉજવી શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં 22 નવરાત્રિ આયોજન કોમર્શિયલ છે, જે પાર્ટી પ્લોટમાં યોજાયા છે.
આ ઉપરાંત શહેર અને જિલ્લામાં ની શેરી ગલીઓ અને જુદાજુદા વિસ્તારોમાં આશરે 750 નવરાત્રિ આયોજન છે. આ ઉપરાંત દશેરાના દિવસે સમગ્ર જિલ્લામાં 6 શોભાયાત્રા અને 2 રાવણદહન કાર્યક્રમ યોજાશે. આ માટેના સમગ્ર બંદોબસ્ત માટે SP ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં 1 ASP, 4 DySP, 21 PI અને 30 PSI મળી જિલ્લામાં કુલ 800 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ગોઠવાયો છે.
આ સાથે શહેર અને જિલ્લામાં 30 SHE ટીમ અને એન્ટી રોમિયો સ્કવોડ કાર્યરત રહેશે. 30 ફોર વ્હીલર, 27 પોલીસ જનરક્ષક(112), 80 પોલીસ બાઈક ઉપરાંત 6 ચેકપોસ્ટ પર વિડીયોગ્રાફી, 206 બોડીવોર્ન કેમેરા અને 52 breath analyzerનો ઉપયોગ કરી સમગ્ર જિલ્લામાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ સાથે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ધ્યાન રાખવા 12 ટીમ અને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા પર વોચ રાખવા 2 ટીમ રચવામાં આવી છે.
-નવરાત્રિ આયોજકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે ?
પોલીસ ઈમરજન્સી સેવાઓનો લોકો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે LED સ્ક્રીન પર હેલ્પલાઇન નંબર અને પોસ્ટર દેખાડવાના રહેશે. સમગ્ર ગરબા સ્થળોએ કયાંય પણ અંધારૂં ન હોવું જોઈએ. દુકાનોમાં CCTV કેમેરા લગાવવાના રહેશે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવાના રહેશે. ગરબાની જગ્યાઓ નજીક 100 મીટરના વિસ્તારમાં કયાંય પણ ટ્રાફિક જામ ન થાય તે જોવાનું રહેશે. પાર્કિંગમાં કયાંય અવરોધ ઉભો ન થવો જોઈએ. ઈલેક્ટ્રીક ફીટીંગ, વાયરીંગ તથા ફાયર સેફટી માટે સર્ટિફિકેટ લેવાના રહેશે. સ્ટેજ માટે પણ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. વોશરૂમ અને પાણીની વ્યવસ્થાઓ કરવાની રહેશે. પ્રાથમિક સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે.