Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતની સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતો અને જામનગર સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ માટે સ્થાનિક તંત્ર દ્વારા ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી હોવાનું આધિકારીક સૂત્રો જણાવી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા સહિતની હૈયાત 8 મહાનગરપાલિકાઓ અને નવી બનેલી મહાનગરપાલિકાઓમાં આગામી ચૂંટણીઓ અગાઉ નવું સીમાંકન થશે કે કેમ ? અથવા તો હાલના સીમાંકન મુજબ જ ચૂંટણીઓ આટોપી લેવામાં આવશે ? એ સંબંધે રાજ્યકક્ષાએ હજુ સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. આથી હાલ આ બાબત અધ્ધરતાલ છે.
આ ઉપરાંત આ સંસ્થાઓની ચૂંટણીઓ અગાઉ અલગઅલગ કેટેગરીની બેઠકો વાઈઝ કોઈ જાહેરાત થઈ નથી. હાલમાં માત્ર એટલું જ જાહેર થયું છે કે, જિ.પં. તથા કોર્પોરેશનમાં કુલ બેઠકો પૈકી કઈ કેટેગરીમાં કેટલી બેઠક ફાળવવામાં આવશે.
દરમ્યાન, જામનગર ખાતેના આધિકારીક સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર શહેરની મતદારયાદી સંબંધે તથા જિલ્લા પંચાયતની મતદાર યાદી સંબંધે કેવી રીતે આગળ વધવાનું છે ? રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લાઓમાં લેટેસ્ટ મતદાર યાદીઓ ક્યારે મોકલવામાં આવશે ? એ સંબંધે રાજ્ય ચૂંટણીપંચ સાથે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક કક્ષાએ એવો જવાબ મોકલ્યો છે કે, મતદાર યાદી સંબંધે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્ય ચૂંટણીપંચને સૂચનાઓ આપવામાં આવશે ત્યારબાદ રાજ્ય ચૂંટણીપંચ આ સૂચનાઓ અને સાહિત્ય સ્થાનિક કક્ષાએ પહોંચતું કરશે.
આ ચૂંટણીઓમાં નવી OBC અનામત નીતિ લાગુ નહીં પડે એમ સરકારના નોટિફિકેશન મુજબ સમજાઈ રહ્યું છે. દાખલા તરીકે, જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોનું વિભાજન સરકારે કેટેગરીની દ્રષ્ટિએ નોટિફિકેશનમાં જે કર્યું છે, તેમાં SC, ST, SEBC અને જનરલ (મહિલા અનામત સહિત) એમ 4 જ કેટેગરી દર્શાવવામાં આવી છે. 23-07-2025ના સરકારના નોટિફિકેશનમાં જિલ્લા પંચાયત સંબંધે કયાંય OBC અનામતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો શું આગામી ચૂંટણીઓ નવી OBC અનામત નીતિ(27 ટકા) વિના જ આટોપી લેવામાં આવશે ? કે નવું નોટિફિકેશન આવી શકે છે ? એ પ્રશ્ન હાલ ચર્ચાઓમાં છે.
