Mysamachar.in-ગાંધીનગર:
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકોમાં ભારે ઉહાપોહ થતાં અને વડી અદાલતે આકરૂં વલણ અખત્યાર કર્યા બાદ સરકારે ફાયર સેફટીના નિયમો કડક બનાવી દીધાં હતાં, હવે દીવાળી આવે એ પહેલાં ફટાકડાના વેપારીઓને ખુશ કરવા નિયમો ઢીલા કરી નાંખવામાં આવ્યા !
ફટાકડા સંગ્રહ અને વેચાણ સંબંધે સરકારે ફાયર NOC ફરજિયાત કર્યા બાદ યુ ટર્ન લીધો. સરકારનો દાવો એવો છે કે, ફાયર NOC ફરજિયાત થતાં ફાયર બ્રિગેડ વિભાગ પર બહુ બોજો વધી ગયો હતો અને વેપારીઓ પરેશાન પણ થતાં હતાં. આથી હવે નિયમ ઢીલો કરી ફટાકડા સંગ્રહ અને વેચાણની જગ્યા જો 500 ચો.મી.થી નાની હોય તો ફાયર NOC ફરજિયાત નહીં. માત્ર સેલ્ફ ડેકલેરેશનથી કામ ચલાવવામાં આવશે.
આ નવા અને ઢીલા નિયમ અનુસાર 500 ચો.મી.થી નાની જગ્યામાં ફટાકડાનો સંગ્રહ અને વેચાણ હોય તેવા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ અને કલેક્ટર તંત્ર તે સ્થળ પર ફાયર વ્યવસ્થાઓ ચકાસી લેશે. ચેકલિસ્ટ મુજબની વ્યવસ્થાઓ હશે તો વેપારીને સંગ્રહ વેચાણની મંજૂરીઓ આપી દેવામાં આવશે અને વેપારીએ સેલ્ફ ડેકલેરેશન આપવાનું રહેશે.
આવી જગ્યાઓ પર 1,000 લિટરનો પાણીનો ટાંકો સ્ટોરેજ અને સપ્લાયની સુવિધાઓ સાથે, એબીસી ડ્રાય કેમિકલ, જગ્યાના આગળના ભાગે ઈન્સ્ટોલ કરેલો ફાયર હોઝ, મોટાનાના કુલ 3 ફાયર બાટલા, 2 બકેટ રેતી, 200 લિટર પાણી ડ્રમ અને ઈમરજન્સીમાં બહાર નીકળવાનો રસ્તો- આટલી બાબતો સ્થળ પર ચકાસી, બાદમાં જ કલેક્ટર-પોલીસ મંજૂરીઓ આપી શકશે અને આ બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ વેપારીએ સેલ્ફ ડેકલેરેશનમાં જાહેર કરવાનું રહેશે અને જો જગ્યા 500 ચો.મી.થી મોટી હશે તો તેણે ફાયર NOC મેળવવાનું રહેશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
