Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના મેઘપર(પડાણા)માં એક પ્રૌઢના મકાનમાં કોઈ રીતે પ્રવેશ કરી તસ્કરો રૂ. 22 લાખનો ધનલાભ કરી ગયા હોવાની ફરિયાદ મેઘપર પોલીસમાં દાખલ થઈ છે.
મેઘપરમાં ફટકડીના કારખાના સામે રહેતાં અને ટ્રેક્ટર ચલાવવાનો ધંધો કરતાં 60 વર્ષના કિશોરસિંહ કેશુભા જાડેજાએ 17મી સપ્ટેમ્બરે પોલીસમાં જાહેર કર્યું કે, પાછલાં 15/20 દિવસ દરમ્યાન કોઈ પણ સમયે, દિવસે અથવા રાત્રે કોઈ શખ્સોએ એમના રહેણાંક મકાનમાં કોઈ રીતે પ્રવેશ કરી, મકાનમાં રહેલાં પેટીપલંગમાંથી સોનાના દાગીનાની ચોરી કરી છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે, પેટીપલંગમાં રાખેલી એક થેલીમાં અલગઅલગ બોકસમાં રાખવામાં આવેલાં આશરે કુલ 350 ગ્રામ વજનના દાગીના તસ્કરો ઉઠાવી ગયા છે. જેની કિંમત આશરે રૂ. 22 લાખ અંદાજવામાં આવી છે. નાના એવા આ ગામમાં આવડો મોટો હાથફેરો તસ્કરો સિફતથી કરી ગયા, એ વાત બહાર આવતાં મેઘપરમાં ચકચાર મચી ગઈ છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.