Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી ૨૨ તારીખથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તમામ નવરાત્રી મહોત્સવ ના મહત્વના સ્થળો, કે જે જગ્યાએ વધુ ભીડ રહે છે, અને મોટી સંખ્યામાં લોકો નવરાત્રી મહોત્સવ માટે એકત્ર થતા હોય છે, તેવા સ્થળની જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ઉપરાંત એલસીબીના પી.આઈ. વી. એમ. લગારીયા અને તેઓની સમગ્ર ટીમ, તથા સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ. ચાવડા તથા અન્ય પોલીસ અધિકારીઓનો કાફલો જોડાયો હતો, અને નિરીક્ષણ કર્યું હતું.
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાતા ગરબા મહોત્સવના સ્થળ પર સૌપ્રથમ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સુરક્ષા વ્યવસ્થા વિભાગ ના સંદર્ભમાં ગરબા મંડળ સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ પાર્કિંગ સહિતના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ તમામ પોલીસ અધિકારીઓની ટીમ જામનગર શહેરને આસપાસના વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું મોટા પ્રમાણમાં આયોજન થાય છે, તેવા તમામ સ્થળો પર ચેકિંગ કરી અને સુરક્ષા વ્યવસ્થા અને પાર્કિંગ સહિતના મુદ્દે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને સમીક્ષા કરવામાં આવી હતી.
