Mysamachar.in-ગાંધીનગર:
શહેરોના તૂટેલાં રસ્તાઓ અને બિસ્માર બનેલાં રાજ્યના ધોરીમાર્ગો આ ચોમાસા દરમ્યાન લાખો લોકોની કમર અને વાહનો તોડી ચૂક્યા છે. રસ્તાઓનો ભ્રષ્ટાચાર પણ જાણીતી બાબત છે. દરમ્યાન, ગઈકાલે મંગળવારે રાજ્યની કેબિનેટ બેઠકમાં CMએ આ મુદ્દે સૂચનાઓ આપી.
કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચરજ થયું કે, રસ્તાઓ બન્યા બાદ એક જ વર્ષમાં તૂટી કેવી રીતે જાય ?! આથી મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી કે, જે રસ્તાઓ એક વર્ષમાં તૂટી ગયા છે, તેની તપાસ કરો. હવે મહાનગરપાલિકાઓ અને રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ આવા રસ્તાઓની યાદી બનાવશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગત્ એક માસ દરમ્યાન આવા મોટાભાગના તૂટેલાં રોડ અને રસ્તાઓ પર કાં તો પેચવર્ક થયું છે, કાં તો થીગડાં લાગી ગયા છે અને ઘણી જગ્યાઓ પર રિસરફેસિંગ પણ થયું છે. છતાં તંત્ર CMએ કહ્યું છે એટલે તૂટેલાં રસ્તાઓની યાદી બનાવશે.
અત્રે નોંધનીય છે કે, CM ખુદ સિવિલ ઈજનેરી ભણેલાં છે. તેઓ રસ્તાઓની કવોલિટી સંબંધે ઘણું જાણતાં જ હોય. અને ઓછા સમયમાં રોડ રસ્તાઓ તૂટી શા માટે જાય, એ પ્રશ્નનો ઉત્તર પણ એમને ખબર જ હોય. એમને ખરેખર તો અચરજ ન થવું જોઈએ. CM તરીકે તેઓ બધું જ જાણતાં હોય.
આવી સ્થિતિઓ વચ્ચે, હવે જામનગર સહિતના શહેરોમાં મહાનગરપાલિકાઓ તૂટેલાં રસ્તાઓની યાદી તૈયાર કરશે. પછી ? પછી, રસ્તાઓ ટૂંકા સમય દરમિયાન તૂટી શા માટે ગયા તેના કારણોની તપાસ થશે. પછી કોન્ટ્રાક્ટરો પર વીજળી ત્રાટકશે ? અને, એક વાત એ પણ છે કે મુખ્યમંત્રીએ નવરાત્રિ તહેવારો બાદ બધાં જ રસ્તાઓના સમારકામનું સૂચન પણ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ પૂર્ણ થયેલાં ચોમાસા દરમ્યાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સહિતના પ્રચાર પ્રસાર માધ્યમોમાં ખરાબ અને તૂટેલાં રસ્તાઓ મુદ્દે તંત્રો તથા સરકાર પર બહુ નિશાન તકાયા હતાં. સૌ જવાબદારો આથી ‘બચાવ’ની સ્થિતિઓ અનુભવી રહ્યા છે. (ફાઈલ તસ્વીર)
