Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસમાં ગઈકાલે મંગળવારે એક એવી ફરિયાદ દાખલ થઈ છે જેમાં એક મહિલા પર છરી વડે હુમલો કરનાર આરોપી ખુદ પણ ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં તેની પણ સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું બહાર આવ્યું છે. મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની ફરિયાદ ગુલાબનગર વિસ્તારમાં શ્યામ ટાવરમાં રહેતાં ભાવેશ અશોકભાઈ ચૌહાણે નોંધાવી છે. બનાવ ગઈકાલે મંગળવારે બપોરે 12:30 આસપાસ બન્યો હતો. ફરિયાદીના પત્ની આરોપીના ઘરે રસોઈ કરવા ગયેલાં ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે.
જાણવા મળતી વિગતો અનુસાર, પટેલકોલોની શેરી નંબર 4 માં સાવન એપાર્ટમેન્ટ પાસે આવેલાં યોગી કૃપા નામના મકાનમાં આ બનાવ બન્યો હતો. આ મકાનમાં આરોપી મુકેશ ત્રિભુવનભાઈ અગ્રાવત અને તેનો ભાઈ વસવાટ કરતાં હોવાનું જાણવા મળે છે. બનાવ સમયે આરોપી અને તેમને ત્યાં રસોઈ કરવા આવેલાં ભાવનાબહેન ચૌહાણ નામના મહિલા- બંને એકલાં હતાં ત્યારે તેમની વચ્ચે કંઈક એવું બની ગયું કે, આરોપીએ ભાવનાબહેનને ગળામાં અને પીઠમાં છરીના ઘા ઝીંકી દેતાં આ મહિલાને લોહીલુહાણ હાલતમાં જીજી હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવા પડ્યા.
ફરિયાદમાં કહેવાયું છે કે, આરોપીએ મારી નાંખવાના ઈરાદે ફરિયાદીના પત્ની પર આ હુમલો કરેલો. મહિલાની સ્થિતિ હાલ ગંભીર છે. આ મામલા બાદ આરોપીને પણ ઈજાઓ બદલ જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. તેને કેવી રીતે ઈજાઓ થઈ ? અને, આરોપી તથા ઈજાગ્રસ્ત મહિલા વચ્ચે એવું તો શું બની ગયું કે, મામલો આટલી હદે લોહિયાળ બની ગયો ? વગેરે બાબતો તપાસનો વિષય છે.
એમ પણ કહેવાય છે કે, આ મહિલા અગાઉ આ આરોપીને ત્યાં રસોઈ કરવા જતાં. ગઈકાલે ફરી વખત આ મહિલા ત્યાં રસોઈ કરવા ગયા, આ મામલાએ ભારે ચકચાર જગાવી છે. બનાવ પાછળનું કારણ હવે જાહેર થશે. હાલ સારવાર-તપાસનો દોર ચાલી રહ્યો છે.
