Mysamachar.in-સુરત:
લોકરક્ષક- પાંચ અક્ષરના આ શબ્દમાં જે 3 અક્ષર ‘રક્ષક’ છે, તે 3 અક્ષરનો શબ્દકોશમાં જે અર્થ થતો હોય તે, હકીકતની દુનિયામાં ‘રક્ષક’નો અર્થ શું થાય છે- એ વાસ્તવિકતાઓ ગુજરાત પોલીસના સંદર્ભમાં આખું ગુજરાત જાણે છે. આવી વધુ એક ઘટના બહાર આવી છે, જેમાં ‘રક્ષક’ને ‘ભક્ષક’ બનવાની લાલચ જાગી પણ તેના નસીબ નબળાં રહ્યા- લાંચ રૂશવત વિરોધી શાખાએ આ લોકરક્ષકને લાંચ લેતાં રંગે હાથ પકડી લીધો.
આ મામલો સુરત પોલીસનો છે. ત્યાંની ક્રાઈમ બ્રાંચના એક લોકરક્ષક પાસે એક મહિલા પહોંચી. મહિલાએ લોકરક્ષકને વિનંતી કરી કે, મારાં જમાઈને તમે દારૂના મામલામાં પકડી લીધો છે, તેને માર ન મારશો. આ ઉપરાંત દારૂના આ કેસમાં આ મહિલાના પતિને પણ પકડવાનો હતો. મહિલાએ કહ્યું: તમે ભલે મારાં પતિને પણ પકડી લ્યો, એને પણ માર ન મારશો.
આ સંબંધે હસમુખ કિશનભાઈ ચુડાસમા નામના ક્રાઈમ બ્રાંચના લોકરક્ષકે મહિલાને કહ્યું: માર ન મારવાના રૂ. એક લાખ થશે. મહિલાએ તેને ‘હા’ પાડી દીધી પણ પછી આ સંબંધે સુરત ACBમાં ફરિયાદ દાખલ કરી દીધી. અને, ACBએ છટકું ગોઠવી આ લોકરક્ષકને લાંચના એક લાખ રોકડા સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો. ACBએ લાંચની આ રકમ આરોપી લોકરક્ષક પાસેથી રિકવર પણ કરી અને હસમુખ ચુડાસમા નામના આ લોકરક્ષકને ફીટ કરી દીધો. ACBની આ કાર્યવાહીને કારણે, સુરત પોલીસમાં, ખાસ કરીને સુરત LCBમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.





