Mysamachar.in-પોરબંદર
રાજકોટ-પોરબંદર ધોરીમાર્ગ પર ગત્ રોજ રવિવારે એક ઘાતક અકસ્માત સર્જાયો જેમાં કુલ 3 વ્યક્તિના મોત નીપજયા છે. અને એક બાળકીની સ્થિતિ ગંભીર હોય, તેને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ ઘાતક અકસ્માત કુતિયાણા નજીક સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ, પત્ની અને આ મહિલાના ભાઈના એમ કુલ 3 મોત થયા છે. જ્યારે આ મૃતક દંપતિની નાની બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી તેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માત ગત્ રાત્રે સર્જાયો હતો. આ કમભાગી પરિવાર પોરબંદર નજીક છાયા વિસ્તારમાં વસવાટ કરતો હતો. જે દંપતિનો ભોગ લેવાયો છે એ પૈકીનો પુરૂષ શિક્ષક હતો. અને ગઈકાલે રવિવારે આ શિક્ષકને રાજકોટ ખાતે તલાટીની પરીક્ષા આપવાની હતી તેથી સમગ્ર પરિવાર રાજકોટ ગયો હતો.
રાજકોટથી પરત પોરબંદર જતી વખતે આ પરિવારની બ્રેઝા કાર કુતિયાણા નજીક કોઈ કારણસર રોડ ડિવાઇડર સાથે ટકરાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં દંપતિ ઉપરાંત આ મહિલાના ભાઈનું પણ મોત નીપજયું. આ અકસ્માતને કારણે કુતિયાણા-પોરબંદર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જો કે આ પરિવારની વધુ વિગતો હજુ સામે આવી નથી.