Mysamachar.in:
ચોમાસાને કારણે તથા ફંડના અભાવને કારણે દેશભરમાં હાલ બાંધકામ પ્રવૃત્તિઓ એકદમ મંદ સ્થિતિઓ અનુભવી રહ્યું છે. સુપ્રિમ કોર્ટનો મત એવો છે કે, ‘ઘરનું ઘર’ કોઈ લકઝરી કે વૈભવ નથી- દરેક પરિવારની મુળભૂત જરૂરિયાત છે. અને તેથી એ દિશામાં સરકારે સકારાત્મક અસરો સાથે આગળ વધવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે, હાલમાં દેશભરમાં ઘણાં ખાનગી બાંધકામ પ્રોજેક્ટ્સ નાણાંના અભાવે ઠપ્પ સ્થિતિઓ અનુભવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ તથા ઓછી આવક ધરાવતાં લોકો માટેની આવાસ યોજનાઓને ફંડની ફાળવણી શરૂ થઈ શકે તો, તે ક્ષેત્રમાં પણ અસંખ્ય લોકોને ઘરનું ઘર ઉપલબ્ધ થઈ શકે. આ બંને બાબતો હાલ જરૂરી બની ગઈ છે.
ખાનગી બાંધકામ ક્ષેત્રને સમયસર લોન સ્વરૂપમાં નાણાં મળી શકે એ માટેની સરકાર હસ્તક એક ફંડ વ્યવસ્થા પણ છે. સુપ્રિમ કોર્ટનો મત એવો છે કે, લોકોને ઝડપથી ઘરનું ઘર મળી રહે એ દિશામાં આગળ વધી શકાય તે માટે સરકારે આ ફંડમાં નાણાં આપવા અંગે વિચારવું જોઈએ. ખાનગી બાંધકામ સાઈટ્સ પર ઘણાં મકાનો એવા હોય છે જેમાં ખરીદદારે હોમલોન લઈ લીધેલી હોય છે અને EMI શરૂ થઈ ગયા હોય છે, આ વર્ગની તકલીફ નિવારવા પણ સરકારે આ ફંડમાં નાણાં ફાળવવા જોઈએ.
આ ઉપરાંત દેશભરમાં આવાસ યોજનાઓ બનતી હોય છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરીઓ બાદ નાણાંની ફાળવણી થતી હોય છે. આ ફાળવણીઓ પણ આ વર્ષના બજેટ્સ મુજબ દીવાળી બાદ અને સંભવત: ડિસેમ્બર અગાઉ શરૂ થઈ જશે એમ માનવામાં આવે છે. હાલમાં યોજનાઓમાં મંજૂરીઓનો તબક્કો ચાલી રહ્યો છે.
-આવાસયોજનાઓ સંબંધે જામનગરનું આગામી ચિત્ર શું છે ?..
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, જામનગર મહાનગરપાલિકા હસ્તક આગામી મહિનાઓ દરમ્યાન, શહેરમાં 3 નવી આવાસયોજનાઓ શરૂ થશે. આ યોજનાઓ માટેના DPR તૈયાર થઈ ગયા બાદ રાજ્ય સરકારમાં તો મંજૂર પણ થઈ ગયા છે. હવે પછીના તબક્કામાં આ રિપોર્ટ કેન્દ્ર સરકારમાં પણ મંજૂર થશે અને ત્યારબાદ નિયમો અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વર્તમાન નાણાંકીય વર્ષના બજેટ મુજબ તે માટેના નાણાંની ફાળવણી કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવ્યા હોય, જામનગર સહિતની મહાનગરપાલિકાઓને આવાસયોજનાઓ માટે બંને સરકારમાંથી નાણાં મેળવવામાં કોઈ તકલીફ પડશે નહીં. આ ઉપરાંત આ વખતે ઘરનું ઘર મેળવવા ઈચ્છતા લોકો માટે પ્લસ પોઈન્ટ એ પણ છે કે, આ કેલેંડર વર્ષ પૂર્ણ થતાં જ કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી હોય, દીવાળી પછી ગાંધીનગર અને દિલ્હી દરેક શહેરોમાં પુષ્કળ નાણું ઠાલવશે અને લોકોને જલસો પડી જશે એમ પણ માનવામાં આવે છે. આથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ અને નવરાત્રિ તથા દીવાળી તહેવારો દરમ્યાન અને તે પછી પણ, આગામી ચોમાસા સુધી બધે જ બાંધકામ ઉદ્યોગ ધમધમવા લાગશે એવું જાણકારોનું અનુમાન છે, ટૂંકમાં 2026માં ઘણાં નવા ઘરોના દ્વારે વાસ્તુ માટેના લીલા તોરણ બંધાશે- એટલું નક્કી.