Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિક બોટલ સહિતના પ્લાસ્ટિક વેસ્ટનો મામલો ગંભીર બની રહ્યો હોય, વડી અદાલત તથા રાજ્ય સરકાર બંને આ બાબતે ઝડપી કાર્યવાહીઓ અને કામગીરીઓ તરફ આગળ વધી રહ્યા છે. સરકારે પરિપત્ર કર્યો અને અદાલતે આવકાર્ય સૂચન આપ્યું છે.
મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ ધરાવતાં શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ મહત્વપૂર્ણ વિષય હોય, આ મામલે એક એડવોકેટ દ્વારા HCમાં જાહેર હિતની અરજી ચાલી રહી છે. સરકારે અદાલતના આકરાં વલણને ધ્યાનમાં રાખી આ બાબતે ગત્ 6 સપ્ટેમ્બરે એક પરિપત્ર પણ જાહેર કરી દીધો છે.
આ પરિપત્રમાં કહેવાયું છે કે, નિયત સમયમર્યાદામાં મહાનગરપાલિકાઓ અને પાલિકાઓએ આ પરિપત્રનો અમલ કરવાનો રહેશે. જે બાબતે સમય મર્યાદા વધારી આપવામાં આવશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની આ દરેક સંસ્થાઓએ ચોક્કસ સમયની અંદર મટીરીયલ્સ રિકવરી ફેસેલિટી(MRF) સેન્ટર શરૂ કરી દેવાના રહેશે. અને નિયત સમયમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ નહીં થાય તો અધિકારીઓ પર ‘પગલાં’ પણ લેવાશે.
-વડી અદાલતે કહ્યું કે…
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે આ સંબંધે સુનાવણી દરમ્યાન સરકાર અને સત્તાવાળાઓને સૂચન કરતાં કહ્યું કે, તમામ શહેરોમાં જાહેર જગ્યાઓ પર પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે રિવર્સ વેન્ડિંગ મશીન મૂકવા જોઈએ. ખાસ કરીને જાહેર જગ્યાઓ પર પ્લાસ્ટિક બોટલ લઈને આવતાં લોકો પાસેથી ટોકન રકમ લેવી જોઈએ. બાદમાં તેઓ જ્યારે આ જગ્યાઓ પર બોટલ પાછી લાવે તો ટોકન રકમ પરત આપવાની. આ જાહેર હિતની અરજીની હવે પછીની સુનાવણી નવેમ્બરમાં થશે.(symbolic image)
