Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં જળસંચય સંબંધે શી કામગીરીઓ થઈ છે એ બાબત અંગેનો એક પ્રશ્ન વિધાનસભાના પટલ પર આવ્યો હતો, જે સંબંધે મંત્રીએ હાલારના બંને જિલ્લાઓ અંગેની વિગતો આપી.
વિધાનસભામાં જળસંપતિ રાજ્યમંત્રી મુકેશ પટેલએ જણાવ્યું કે, રાજ્ય સરકાર જળસંચય બાબતે સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું: છેલ્લા 3 વર્ષ દરમ્યાન જામનગર જિલ્લામાં 9 ચેકડેમને મંજૂરીઓ મળી છે, જે પૈકી 3 કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 ચેકડેમને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી 1 ચેકડેમની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ ઉપરાંત મંત્રીએ કહ્યું: રાજ્યમાં અત્યાર સુધીમાં 586 ચેકડેમના કામો સંપન્ન થયા છે. હાલારના બંને જિલ્લાઓમાં કેનાલોની ઉંડાઈ 3 થી 6 મીટર છે. આ વિસ્તારોમાં જ્યાં સંપાદન કામગીરીઓમાં ખેડૂતો સહયોગ આપશે ત્યાં પાકી કેનાલો બનાવી આપવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઉંડ-1 ડેમ સાથે જોડાયેલી 167 કિમી પાકી કેનાલ અને 27 કિમી કાચી કેનાલ કાર્યરત છે.(file image)
