Mysamachar.in-જામનગર
જામનગરમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વધુ એક વખત સ્માર્ટ વીજમીટર મુદ્દે વીજતંત્ર તથા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વીજતંત્રની કાર્યપદ્ધતિને ખુલ્લી પાડવામાં આવી છે. સ્થાનિક સ્તરે આ સંબંધે રૂબરૂ લેખિત રજૂઆત પણ થઈ છે.
જામનગરની સંસ્થા ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ સ્થાનિક કક્ષાએ અને સરકારમાં આ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, જામનગરમાં તંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાડવાની પ્રક્રિયાઓ ગ્રાહકની મંજૂરી વગર યેનકેન પ્રકારે કરવામાં આવી રહી છે. કોઈ ગ્રાહકને ત્યાં લાઈટ જતી રહે અથવા અન્ય કોઈ ફોલ્ટ થાય ત્યારે, વીજતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રાહકને સ્પષ્ટપણે કહે છે કે, સ્માર્ટ વીજમીટર લગાવો પછી જ વીજપૂરવઠો આપવામાં આવશે.
આ રજૂઆતમાં કહેવાયું છે કે, વીજતંત્રનું આ વલણ કાયદા સાથે સુસંગત નથી. વીજળી આવશ્યક સેવા છે અને ગ્રાહકનો અધિકાર પણ છે. સ્માર્ટ વીજમીટર કાયદાની દ્રષ્ટિએ ફરજિયાત નથી. તો શા માટે ગ્રાહકને ફરજ પાડવામાં આવે છે. ઘણાં ગ્રાહકોને સ્માર્ટ વીજમીટર લગાવી લીધાં બાદ ઉભી થતી ફરિયાદો પર તંત્ર ધ્યાન આપતું નથી. તંત્ર પર ખાનગી કંપનીનું કોઈ દબાણ છે ? એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે.
ઘણાં લોકોને સ્માર્ટ વીજમીટર લગાડી દીધાં બાદ મહિનાઓ સુધી વીજબિલ આવતાં નથી. ફરિયાદ કરે તો અધિકારીઓ જવાબ આપવાને બદલે એપમાં જોવા કહે છે. ઘણાં કેસમાં એપના ઘણાં વિકલ્પ કામ કરતાં નથી. ઘણાં ગ્રાહક બિલ ભરી આપે પછી પણ તે રકમ એપમાં જોવા મળતી નથી. ઘણાં મામલામાં વીજબિલ વધુ દેખાડે છે. ઘણી ફરિયાદોમાં અધિકારીઓ હાથ ઉંચા કરી દે છે અને કહે છે આમાં અમે કાંઈ કરી શકતા નથી. ખાનગી કંપનીને કામ આપી દેવામાં આવ્યું છે. આ પ્રકારના વિવિધ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે.
