જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું હળવું હેત વરસી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં અડધાથી માંડીને સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. સવારે 6 થી 8 દરમ્યાન એકમાત્ર ધ્રોલ તાલુકામથકને બાદ કરતાં બધાં જ તાલુકામથકો પર હળવા છાંટા નોંધાયા છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં, ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સવા ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત આજે સવારે પણ હળવા છાંટા નોંધાયા અને અત્યારે નવ વાગ્યા આસપાસ પણ વાતાવરણ વરસાદી છે.
સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન જોડીયા તાલુકામથકે દોઢ ઇંચ, ધ્રોલ તાલુકામથકે પોણો ઇંચ, કાલાવડ અડધો ઈંચ, લાલપુર તાલુકામથકે બે ઈંચ અને જામજોધપુરમાં સામાન્ય છાંટા નોંધાયા છે. આજે સવારે પણ ધ્રોલને બાદ કરતાં બધાં જ તાલુકામથકોએ હળવા છાંટા સાથે વરસાદી માહોલ છે.
આ ઉપરાંત આ 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકાના હરિપર ખાતે સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. આ સાથે જ પડાણામાં પોણાં બે ઈંચ, મોડપરમાં દોઢ ઇંચ, દરેડમાં પોણાં બે અને વસઈમાં દોઢ ઇંચ તથા લાખાબાવળ, મોટી ભલસાણ, મોટી બાણુગાર, ફલ્લા, હડીયાણા, બાલંભા, જાલીયાદેવાણી, મોટા પાંચ દેવડા, નવાગામ, ધૂનડા તથા જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડીને દોઢ ઇંચ સુધીની રેન્જમાં વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ થયો, જો કે વરસાદનો આ રાઉન્ડ વ્યાપક રહ્યો છે, બધે જ વરસાદ અને માહોલ છે.