ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ તથા ફરિયાદીઓ સાથે અયોગ્ય વર્તન તેમજ કસ્ટોડિયલ મોતના બનાવો સમયાંતરે બનતાં રહેતાં હોય છે. આ સ્થિતિઓ નિવારવા પાંચ વર્ષ અગાઉ સુપ્રિમ કોર્ટે કહેલું- દેશના એક એક પોલીસ સ્ટેશનમાં જરૂરી જગ્યાઓ પર CCTV કેમેરા ફીટ કરો. આમ છતાં ઘણાં મામલાઓમાં ફરિયાદો ઉઠતી હોય છે કે, ફલાણાં પોલીસ સ્ટેશનમાં ચોક્કસ બનાવ બન્યો તેના CCTV ફૂટેજ મળી આવ્યા નથી !
તાજેતરમાં આ બાબત ફરી એક વખત સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગઈ. બન્યું એવું કે, એક જ રાજ્યમાં 7/8 મહિનાના સમયગાળામાં જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં 11 કસ્ટોડિયલ મોત થયા એવો એક મીડિયા રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો. આ રિપોર્ટ ધ્યાન પર લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા સ્વત: સંજ્ઞાન એટલે કે સુઓમોટો હાથ ધરવામાં આવ્યું અને અદાલતે ખુદે PIL એટલે કે આ બાબતે જાહેર હિતની અરજી દાખલ કરી દીધી અને તેની સુનાવણીમાં કહ્યું કે, દેશભરમાં દરેક પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે કે કેમ, તે તપાસવામાં આવે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના દરેક પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ આમ તો પાંચ વર્ષ અગાઉનો છે. પરંતુ આમ છતાં ઘણાં પોલીસ સ્ટેશનમાં સુપ્રિમ કોર્ટના આ આદેશનું પાલન ન થતું હોવાની વિગતો સમયાંતરે બહાર આવતી હોય છે. એમાં પણ તાજેતરમાં પોલીસ સ્ટેશનોમાં કસ્ટોડિયલ મોતનો આ મીડિયા રિપોર્ટ બહાર આવતાં સુપ્રિમ કોર્ટમાં ફરીથી આ વિષય, વધુ એક વખત તાજો થયો છે.