સામાન્ય રીતે ‘સલાહ’ માટે એવું કહેવાય છે કે, બધાંને આપવી ગમે, પણ લ્યે કોઈ નહીં. પરંતુ જામનગર મહાનગરપાલિકા બધી જ બાબતોમાં અનોખી છે, સલાહ ખરીદવાની બાબતમાં પણ. જામનગર મહાનગરપાલિકાને કરોડો રૂપિયા ખર્ચ કરી, સલાહ ખરીદવી ખૂબ જ પસંદ છે અને આ કારણથી જામનગર મહાનગરપાલિકાને સલાહ આપનારી કન્સલ્ટન્ટ પેઢીઓ વર્ષોથી આ બિઝનેસમાં કરોડોની કમાણી કરી રહી છે.
જામનગર મહાનગરપાલિકાનું શાસન બાહોશ અને તંત્ર આમ તો હોંશિયાર ગણવામાં આવે છે. આમ છતાં મહાનગરપાલિકા હસ્તકના લગભગ તમામ કામો કરવા કે કરાવવા માટે, આ સંસ્થાને કન્સલ્ટન્ટ કંપનીઓની ‘સલાહ’ લેવી પડે છે ! અને એ માટે, ધડાધડ કરોડો રૂપિયા કંપનીઓને આપવામાં આવે છે.
ગઈકાલે ગુરૂવારે બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એમ નક્કી થયું કે, કોર્પોરેશન હસ્તક 3 કામો એવા છે જે કરતાં અગાઉ કન્સલ્ટન્ટ કંપનીઓની સલાહ લેવી. આ ‘સલાહ’ ખરીદવા માટે કમિટીએ કોઈ જ વાંધાવચકા વગર રૂ. 6.31 કરોડનો ખર્ચ મંજૂર કરી દીધો.
કમિટીએ નક્કી કર્યું કે, વોટર વર્કસ વિભાગના કામો માટે સર્વે અને ફીઝીબિલીટી રિપોર્ટ સહિતની તૈયારીઓ માટે કન્સલ્ટન્ટ કંપનીની ‘સલાહ’ ખરીદવામાં આવે અને આ સલાહના બદલામાં આ કંપનીને કરદાતા નગરજનોની તિજોરીમાંથી રૂ. 99.90 લાખ ચૂકવી આપવા.
આ ઉપરાંત કમિટીએ નક્કી કર્યું કે, લાલપુર બાયપાસ ફ્લાયઓવર જે બનાવવામાં આવી રહ્યો છે, તેમાં સિક્સ લેન બ્રિજ બનાવવા કન્સલ્ટન્ટ કંપનીની સલાહના બદલામાં જે વધારાના રૂ. 42.07 લાખ ચૂકવવાના થાય છે, તે નાણાં કરદાતા નગરજનોની તિજોરીમાંથી ચૂકવી આપવા.
આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ જાય છે અને નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એ બાબત અંગે મહાનગરપાલિકાને સતત અને ખૂબ ચિંતાઓ રહે છે. આથી આ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થાઓ કરવી અને આ કામો માટે ખાનગી કન્સલ્ટન્ટ કંપનીની ‘સલાહ’ ખરીદવી એવું કમિટીએ જાહેર કર્યું. આ ‘સલાહ’ના બદલામાં મહાનગરપાલિકા આ કન્સલ્ટન્ટ કંપનીને, કરદાતા નગરજનોની તિજોરીમાંથી રૂ. 4.89 કરોડ આપશે એમ કમિટીએ નિર્ણય કર્યો. આ રીતે સલાહો લેવા મહાનગરપાલિકાએ રૂ. 6.31 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સૌ રાજી છે. કોઈને કશો વાંધો નથી.