Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, નગરજનોને નજીકમાં સારી આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે એ માટે, શહેરના જુદાજુદા 3 વિસ્તારોમાં આધુનિક અને વિશાળ શહેરી આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ તો કર્યું છે પરંતુ આ આરોગ્ય મંદિરો માટે ‘માનવતાના પૂજારી’ એવા નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ ન હોવાને કારણે નગરજનોને આ કેન્દ્રોમાં પર્યાપ્ત આરોગ્ય સેવાઓ મળી રહી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, JMCએ હાપા યાર્ડ નજીક, લાલપુર બાયપાસ રોડ વિસ્તારમાં અને બેડી રિંગ રોડ નજીક કુલ રૂ. 37.70 કરોડનો ખર્ચ કરીને 3 મિની હોસ્પિટલ બનાવી છે. આ 3 હોસ્પિટલોમાં સરેરાશ દરરોજ 80-100 જેટલાં નગરજનો OPD દર્દીઓ તરીકે મુલાકાત લ્યે છે. પરંતુ આ હોસ્પિટલોમાં બાળરોગ અને સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબો નથી. આથી પ્રસૂતિ સહિતના ઈન્ડોર દર્દીઓ હજુ સુધી આ હોસ્પિટલોમાં એડમિટ કરી શકાયા નથી. એ માટે નગરજનોએ ફરજિયાત જીજી હોસ્પિટલ જ જવું પડી રહ્યું છે.
-JMCના મેડિકલ ઓફિસર આ બાબતે શું કહી રહ્યા છે ?…
હાલની આ સ્થિતિઓની હકીકત જાણવા માટે આજે સવારે Mysamachar.in દ્વારા JMCના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. હરેશ ગોરીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ડો. ગોરી જણાવે છે કે, આ ત્રણેય આરોગ્ય કેન્દ્ર ખાતે બાળરોગ નિષ્ણાંત અને સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબોની ભરતીઓ કરવા માટે અત્યાર સુધીમાં કોર્પોરેશન બે વખત પ્રયત્ન કરી ચૂક્યું છે. કોર્પોરેશન દ્વારા આ ભરતીઓ માટે ત્રીજી વખત પણ જાહેરાત આપવામાં આવી જ છે પરંતુ આ પ્રકારના નિષ્ણાંત તબીબો ઉપલબ્ધ થઈ રહ્યા ન હોય, કોર્પોરેશન ખુદ ચિંતિત છે.
નોંધનીય છે કે, તબીબી બિઝનેસમાં ખાનગી પ્રેક્ટિસથી તબીબો મહિને લાખો રૂપિયાની કમાણી કરી લેતાં હોય છે એટલે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબ તરીકેની, ઓછી કમાણીવાળી ‘નોકરી’ કરવામાં હોંશિયાર તબીબોને રસ જ ન પડે- એ સમજી શકાય તેવી બાબત છે અને આ બાબત કોર્પોરેશન હસ્તકના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ, નગરજનો માટે કઠણાઈ પૂરવાર થઈ રહી છે.