કોરોનાકાળ બાદ જામનગર સહિત હાલાર અને સમગ્ર રાજ્યમાં સૌ જાણે છે તેમ હાર્ટની તકલીફોના સમાચાર, છાતીના દુ:ખાવાની ફરિયાદો અને બ્લડપ્રેશરની ચિંતાપ્રેરક બાબતો સૌનું ધ્યાન ખેંચી રહી છે. નાની ઉંમરના લોકો- પુરૂષ અને મહિલાઓ ઉપરાંત બાળકો પણ- હ્રદય અને શ્વાસ સંબંધિત તકલીફોના શિકાર બની રહ્યા છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જામનગર સહિત હાલારમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને આ સંબંધે મળી રહેલાં કોલ્સની સંખ્યા ધ્યાન પર લેવા જેવી બાબત છે.
Mysamachar.in દ્વારા આ અંગે જામનગર 108 સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. 108 દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ અંગેના આંકડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ જાન્યુઆરી-2024 થી જૂન-2025 સુધીના એટલે કે પાછલાં દોઢ વર્ષના છે.
જામનગર જિલ્લામાં આ દોઢ વર્ષ દરમ્યાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળેલાં કોલ્સ પૈકી બ્લડપ્રેશર સંબંધિત કોલ્સની સંખ્યા 662 છે. જેમાં સૌથી વધુ કોલ્સ જાન્યુઆરી-2025(48), ફેબ્રુઆરી-2024(47) અને જૂન-2025(46)માં પ્રાપ્ત થયા હતાં.
જામનગરમાં હ્રદયની તકલીફ સંબંધિત કોલ્સ પણ ઘણાં મળે છે, એમ 108 કહે છે. ઉપરોકત દોઢ વર્ષ દરમ્યાન આ પ્રકારના કુલ 919 કોલ્સ પ્રાપ્ત થયા હતાં. જે પૈકી સૌથી વધુ કોલ્સ ઓગસ્ટ-2024 અને 2025ના જાન્યુઆરી અને માર્ચ માસ દરમ્યાન 68-68-68 કોલ્સ પ્રાપ્ત થયા હતાં.
આ ઉપરાંત 108ને છાતીના દુ:ખાવા સંબંધિત પુષ્કળ કોલ્સ મળે છે, જો કે આ દુ:ખાવાના કારણો મેડિકલી અલગઅલગ હોય શકે છે. પરંતુ છાતીના દુ:ખાવાને કારણે મોત પણ થતાં હોય છે. આ દોઢ વર્ષ દરમ્યાન જામનગર શહેર અને જિલ્લામાં કુલ 3,047 કોલ્સ નોંધાયા હતાં. જે પૈકી સૌથી વધુ કોલ્સ મે-જૂન અને ડિસેમ્બર 2024માં 186-186-186 કોલ્સ પ્રાપ્ત થયા હતાં. 2025માં દર મહિને આ એવરેજ 149 થી માંડીને 180 કોલ્સ સુધીની જોવા મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ દોઢ વર્ષ દરમ્યાન બ્લડપ્રેશર સંબંધિત કોલ્સની સંખ્યા 311, હ્રદય સંબંધિત કોલ્સની સંખ્યા 352 અને છાતીના દુ:ખાવા સંબંધિત ફરિયાદોનો આંકડો 1,082 રહ્યો છે. જામનગર જિલ્લાની સરખામણીએ દ્વારકા જિલ્લાના આ આંકડાઓ નાના રહ્યા છે.