સરકારના અન્ય કેટલાંક વિભાગો માફક થોડા થોડા સમયે શિક્ષણ વિભાગમાં પણ સરકારની અથવા ચોક્કસ અધિકારીઓની સૂચનાઓને કારણે અવનવા વિવાદો અને નારાજગીઓ જોવા મળતાં હોય છે. હાલમાં પણ આવો એક વિવાદ પાંચમી સપ્ટેમ્બરના શિક્ષકદિનની ઉજવણી સંબંધે સંભળાઈ રહ્યો છે, જે અંગે કેટલીક હકીકત જાણવાલાયક છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 1962ની સાલથી આપણે ત્યાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ ઉજવણી પૂર્વે એક વિવાદ સર્જાયો ! રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શાળાઓ અને કોલેજો તથા યુનિવર્સિટીઓને પરિપત્ર મારફતે એવી સૂચનાઓ આપી છે કે, શિક્ષકોના કલ્યાણ માટે તમામ શિક્ષકોએ આગામી શિક્ષકદિન ધ્યાનમાં રાખી સ્થાનિક સ્તરે ઉદ્યોગપતિઓ અને વેપારી આગેવાનો વગેરે પાસેથી ફાળો એકત્ર કરવો.
આ પ્રકારની સૂચનાને કારણે શિક્ષક વર્તુળમાં નારાજગીઓ જોવા મળી રહી છે. શિક્ષકો એમ કહે છે કે, આ રીતે કોઈ પાસે ફાળો લેવા જવું એ શિક્ષકના ગૌરવને નુકસાન પહોંચાડે તેવી બાબત છે. અને આ સમગ્ર બાબતની શિક્ષણજગતમાં નકારાત્મક અસરો જોવા મળી શકે.
આ આખા વિવાદ સાથે સંકળાયેલી કેટલીક હકીકતો પણ જાણી લ્યો…
આજે સવારે Mysamachar.in દ્વારા આ સંબંધે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને તેમણે જે કેટલીક વિગતો આપી છે તે ચોંકાવનારી પણ લેખી શકાય.
આ વાતચીતમાં તેમણે કહ્યું કે, દર વર્ષે શિક્ષકદિન નિમિતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કેટલોક ફાળો આપસમાં જ એકત્ર કરવામાં આવે છે. આખા રાજ્યની આ રકમ શિક્ષક કલ્યાણ નિધિમાં જમા થાય છે. જ્યારે પણ શિક્ષક કે તેના પરિવાર અથવા વિદ્યાર્થીઓને કોઈ આકસ્મિક કે દુ:ખદ કારણોસર નાણાંની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે, સરકાર દ્વારા આ નિધિમાંથી વિદ્યાર્થીઓને રૂ. 25,000 અને શિક્ષકને રૂ. 1,00,000 ની મદદ આપવી એવો નિયમ છે.
આ સમગ્ર વ્યવસ્થામાં ચેરમેન તરીકે શિક્ષણમંત્રી હોય છે અને શિક્ષણ નિયામક આ વ્યવસ્થામાં સેક્રેટરી હોય છે અને આ સંચાલન માટે એક કમિટી પણ હોય છે. આ શિક્ષણ કલ્યાણ નિધિમાં હાલ રૂ. 100 કરોડથી વધુની રકમ જમા થયેલી પડી છે. વર્ષ 2016થી એટલે કે વીતેલા 9 વર્ષ દરમ્યાન આ નિધિમાંથી એક પણ વિદ્યાર્થી કે શિક્ષકને નિયમાનુસારની ‘મદદ’ આપવામાં આવી નથી. આ અંગે સરકાર સમક્ષ રજૂઆત પણ થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ પ્રાપ્ત થયું નથી.
…અને ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ ભેગુ કરવાનો વિવાદ શું છે ? એ પ્રશ્નના ઉત્તરમાં દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, આ પ્રકારનો વિવાદ મારાં પણ ધ્યાન પર આવ્યો છે પરંતુ આ વિષયમાં શિક્ષકોને આવી કોઈ ફરજો પાડવામાં આવી નથી, એમ કહેવાયું છે કે, સ્થાનિક સ્તરે શિક્ષકદિન નિમિતે વધુ ફાળો એકત્ર કરવા સ્થાનિક આગેવાનોને સ્વૈચ્છિક ફાળો આપવા માત્ર અપીલ અનુરોધ કરવામાં આવે.