રાજ્યમાં થોડાં સમય અગાઉ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના સર્જાયા બાદ સરકાર તમામ પુલોની ‘તબિયત’ અંગે ચિંતિત બની ચૂકી છે અને તેથી હવે દરેક મહાનગરોના પુલોનું ‘આરોગ્ય’ સમયાંતરે ચકાસવામાં આવશે અને આ માટે કન્સલ્ટન્ટની સેવાઓ પણ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેક મહાનગરપાલિકાઓ પોતાની હદમાં આવતાં તમામ પુલો અને કોઝ-વેની મજબૂતી દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીઓ અંતર્ગત ચકાસે છે જ અને જરૂરી સમારકામ પણ કરતી હોય એવો નિયમ છે જ. પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે આ કામ માટે નવી SOP બનાવી છે.
આ SOPનો નિયમ એવો છે કે, દરેક મહાનગરપાલિકાએ દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીઓ અંતર્ગત તો દરેક બ્રિજની મજબૂતી ચકાસવાની અને જરૂરી રિપેરીંગ પણ હાથ ધરવાનું જ, આ ઉપરાંત દરેક મહાનગરપાલિકાએ એક કન્સલ્ટન્ટની પણ નિમણૂંક કરવાની અને ચોમાસુ પૂર્ણ થાય તે પછી જેતે બ્રિજની મજબૂતીને કોઈ અસરો પહોંચી છે કે કેમ તેનો રિપોર્ટ કન્સલ્ટન્ટ પાસેથી મેળવી તે બ્રિજને મજબૂતી આપવા જરૂર પડે તો ફરી સમારકામ સહિતની કામગીરીઓ કરવી. ટૂંકમાં, વરસાદની સ્થિતિઓ બાદ પણ જેતે બ્રિજની કાળજી લેવાની રહેશે. દરેક બ્રિજ પર સતત ‘નજર’ રાખવાની રહેશે અને દરેક બ્રિજ મજબૂત રહે તે માટેની વ્યવસ્થાઓ કરવાની રહેશે અને આ કામગીરીઓ માટે માત્ર મહાનગરપાલિકાઓના તંત્રો પર જ આધાર નહીં રાખવાનો પરંતુ સ્વતંત્ર કન્સલ્ટન્ટના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવાનો રહેશે. આ વ્યવસ્થાઓ આવકારદાયક લેખાવી શકાય કારણ કે આમ થવાથી દરેક પુલ યોગ્ય સ્થિતિઓમાં રહી શકશે અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ અટકાવી શકાશે.