સમગ્ર રાજ્યમાં તાજેતરના સમયમાં કેટલીક દુર્ઘટનાઓ સર્જાઈ છે અને આવી કાળમુખી દુર્ઘટનાઓમાં કેટલાંક લોકોનો ભોગ પણ લેવાયો છે, આથી ભવિષ્યમાં સંભવિત દુર્ઘટનાઓ ટાળવા રાજ્ય સરકાર એક્ટિવ બની છે અને જામનગર સહિત તમામ મહાનગરોમાં આ માટે ચોક્કસ પ્રકારની તકેદારીરૂપ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. જે સ્થળોએ વધુ લોકો એકત્ર થતાં હોય તેવા બાંધકામો-ઈમારતો સરકારના નિયમો અનુસાર છે કે કેમ, તેની ચકાસણીઓ ચાલી રહી છે. જામનગરમાં પણ કોર્પોરેશન હસ્તક આ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દરેક મહાનગરમાં એવા ઘણાં બાંધકામ હોય છે જ્યાં ફાયર NOC નથી હોતું..ઘણાં બાંધકામ કમ્પલીશન કે BU પરમિશન ધરાવતાં હોતાં નથી. આવા સ્થળો પર જ્યારે પણ કોઈ દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે જવાબદારીઓની ફેંકાફેંકી થતી હોય છે અને સંબંધિત વિભાગો કે અધિકારીઓ એક યા બીજા બહાના હેઠળ ‘છટકી’ જવાના પ્રયાસ કરતાં હોય છે અને આવા બનાવોમાં મોટો ઉહાપોહ મચતો હોય છે. આ સ્થિતિઓ ટાળવા સરકારે અગમચેતી દાખવી છે અને સંબંધિતોને દોડતાં કર્યા છે.
જે જગ્યાઓ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય તેવી જગ્યાઓ પર દુર્ઘટનાઓ ટાળવા શું કરવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર મેળવવા સરકારે એક કમિટી રચી હતી. આ કમિટીના અહેવાલ પછી સરકારે જામનગર સહિત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓને આવા સ્થળોના ઈન્સ્પેક્શનનો આદેશ કરેલો. આ ઈન્સ્પેક્શન બાદ જરૂરી કામગીરીઓ અને કાર્યવાહીઓ આગળ વધારવામાં આવી રહી છે.
સૌ જાણે છે કે, ગેમઝોન- હોસ્પિટલ- શૈક્ષણિક સંસ્થાઓ- મલ્ટિપ્લેકસ- હોલ સહિતના ઓડિટોરીયમ- ફૂડ કોર્ટ- રેસ્ટોરન્ટ- કોચિંગ ક્લાસ તથા શોપિંગ મોલ સહિતની જગ્યાઓ એવી હોય છે જ્યાં અનેક લોકો અવારનવાર અથવા નિયમિત રીતે એકત્ર થતાં હોય છે, આવી જગ્યાઓ પર કોઈ દુર્ઘટના આકાર લ્યે તો અને ત્યારે, ઘણાં બધાં લોકો મોતને ભેટતા હોય છે. અને, વિભાગો તથા સરકાર પર દબાણો સર્જાતા હોય છે.
આવી જગ્યાઓ પર સંભવિત દુર્ઘટનાઓ ટાળવા આ બધી જ જગ્યાઓના માલિકો, કબજેદાર કે સંચાલકો દ્વારા તે જગ્યાઓ માટે ફાયર NOC, બિલ્ડીંગનું કમ્પલીશન પ્રમાણપત્ર અને બિલ્ડીંગ યૂઝ પરમિશન લેવામાં આવી છે કે કેમ, સરકારના બધાં જ નિયમો અને જોગવાઈઓનું આ જગ્યાઓ પર પાલન થઈ રહ્યું છે કે કેમ, યોગ્ય તકેદારીઓ રાખવામાં આવી છે કે કેમ, તેની ચકાસણીઓ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાએ આ સંબંધે શું કામગીરીઓ કરી?…
આજે સવારે Mysamachar.in દ્વારા આ સંબંધે કોર્પોરેશનના ફાયર વિભાગના વડા કે.કે. બિશનોઈ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જામનગર શહેરમાં આ ઈન્સ્પેક્શન કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંબંધિત મિલકતધારકોને કહેવામાં આવ્યું છે કે, સેલ્ફ ડેકલેરેશન તરીકે તમારે સૌએ મહાનગરપાલિકાને આ સંબંધે એક સોગંદનામું એટલે કે એફિડેવિટ આપવાનું રહેશે. આ પ્રકારના એફિડેવિટ સંબંધિતો પાસેથી કલેક્ટ કરવાની કામગીરીઓ આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.