જામનગર મહાનગરપાલિકાએ ઘણાં લાંબા સમય બાદ વેરાવસૂલાત કામગીરીઓ માટે ‘આળસ મરડી’ છે. વેરાઓ અને ચાર્જીસના કરોડો અબજો રૂપિયા વસૂલવાના બાકી હોવાથી અને તેને કારણે JMCની આર્થિક સ્થિતિઓ પતલી થઈ ગઈ હોય હવે વધુ એક વખત મહાનગરપાલિકાએ કરદાતાઓને ઢંઢોળવાનું શરૂ કરી દીધું છે.
મહાનગરપાલિકાએ નગરજનો પાસેથી વેરાઓ અને ચાર્જીસ પેટે અત્યાર સુધીના બાકી નાણાં સહિત, વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26માં કુલ કેટલાં કરોડ રૂપિયા વસૂલવાના થાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળએ આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું કે…ચાલુ વર્ષની ટેક્સ ડિમાંડ રૂ. 125 કરોડ છે, જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 34 કરોડની વસૂલાત થઈ છે અને ચાલુ વર્ષની આ ટેક્સ ડિમાંડ તેમજ બાકી લેણાં પરના રૂ. 227 કરોડના વ્યાજ સહિત મિલકતધારકો પાસેથી કુલ રૂ. 501 કરોડની વસૂલાત કરવાનો અમારો પ્રયાસ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કામગીરીઓ ઝડપી અને અસરકારક બનાવવા માટે ટેક્સ વિભાગમાં એક ખાસ રિકવરી સેલનું ગઠન કરવામાં આવ્યું છે. આ સેલના કુલ એક ડઝન અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફીલ્ડમાં રહેશે, ઓફિસ કામગીરીઓ અન્ય સ્ટાફ કરશે, આ સેલ અઠવાડિયાના છ એ છ દિવસ વેરાવસૂલાત કામગીરીઓ કરશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, મિલકતોમાં નામ ટ્રાન્સફર માટે નગરજનોને જે હાલાકીઓ સહન કરવી પડતી હતી તે નિવારવા સિંગલ વિન્ડો સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. શહેરના કોઈ પણ વોર્ડનો મામલો હશે, આ એક જ બારી પરથી નામ ટ્રાન્સફર પ્રોસેસ ઝડપથી કરી શકાશે, આ માટે 6 કર્મચારીઓની અલગથી ફાળવણી કરવામાં આવી છે.