નોંધપાત્ર વરસાદને કારણે જામનગર જિલ્લાના વિવિધ જળાશયોમાં નવા પાણીની સારી એવી આવક થઈ છે, જો કે પાછલાં 24 કલાક દરમ્યાન એક પણ ડેમસાઈટ પર વરસાદ વરસ્યો નથી. પરંતુ એકંદરે જળાશયોમાં લાખો લિટર પાણીનો સંચય થયો હોય, આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીના વિતરણમાં ઘણી રાહત રહેશે.
જામનગરના સિંચાઈ વિભાગ દ્વારા આજે સવારે વિવિધ જળાશયોની હાલની સ્થિતિનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે, જિલ્લાના 25 જળાશયો પૈકી 9 જળાશયમાં પાણીનું સ્ટોરેજ 100 ટકા થઈ ગયું છે. આ ઉપરાંત 4 જળાશય એવા છે જેમાં ક્ષમતાની સરખામણીએ 90 ટકા પાણીનો જથ્થો સ્ટોર થયો છે. આ સાથે જ અન્ય 2 ડેમમાં પાણીનો જથ્થો 70 ટકા કે તેથી વધુ છે.
સસોઈ, ફુલઝર-1, ડાઈ મીણસાર, ફુલઝર-2, વોડીસાંગ, સસોઈ-2, વાગડીયા, રણજિતસાગર અને વનાણા ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ ઉપરાંત રૂપારેલ, રંગમતી, ફુલઝર કોબા અને સપડા ડેમમાં હાલ 90 ટકા પાણી ભરેલું છે. આ સાથે જ ઉંડ-1 અને રૂપાવટીમાં સ્ટોરેજ 70 ટકા થયું છે.
જિલ્લાના 25 પૈકી અન્ય 10 ડેમમાં પાણીનો જથ્થો 1.48 ટકાથી માંડીને 66.23 ટકા સુધીનો સ્ટોરેજ થયો છે. 1.48 ટકા સ્ટોરેજ ઉંડ-2 માં અને 66.23 ટકા સ્ટોરેજ ઉમિયાસાગરમાં છે. કંકાવટી અને ફોફળમાં પણ હાલ ઓછું પાણી સ્ટોરેજ છે.