લગ્નગાળાના સમયમાં તથા અન્ય શુભ દિવસોમાં અસંખ્ય લોકોને વોટ્સએપ સહિતના માધ્યમથી ઈ-નિમંત્રણ કે ઈ-કંકોત્રી મળતી હોય છે. પરંતુ નિષ્ણાંતોના મતે આ પ્રકારના નિમંત્રણો પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
જાણકારોના કહેવા અનુસાર, સાયબર ક્રાઈમ જગતમાં એવા ગુનાઓ પણ બનતાં હોય છે કે, તમને કોઈ ઈ-નિમંત્રણ કે ઈ-કંકોત્રી વોટ્સએપ જેવા માધ્યમથી કોઈ ફાઈલ કે લિંક સ્વરૂપમાં મળી હોય અને જાણકારીઓ માટે ખુશ થઈ તમે આ ફાઇલ ખોલો અને સેકન્ડના હજારમા ભાગમાં તમારૂં બેંક એકાઉન્ટ સાફ થઈ જાય, પ્રસંગમાં ગયા પહેલાં જ તમને ‘મોટો’ ચાંદલો થઈ જાય જે જિંદગીભર યાદ રહી જાય- એમ પણ બની શકે છે. જામનગરમાં પણ કેટલાક નિવૃત પોલીસકર્મીઓ અને અધિકારીઓ સાથે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે
સાયબર ગુનાઓ આચરનાર શખ્સો લોકોને લૂંટવા માટે જાતજાતની તરકીબ અપનાવતા હોય છે. આથી જાણકારીઓ ધરાવતા લોકો કહી રહ્યા છે કે, આ પ્રકારના ઈ-નિમંત્રણ સ્વીકારતા પહેલાં બધી જ સંબંધિત બાબતોની ચોકસાઈ કરવી અને મોબાઈલમાં ‘સેવ’ ન હોય એવા નંબરનો ભરોસો કરતાં અગાઉ સો વખત વિચારવું. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાયબર ગુનાખોરોનું નેટવર્ક ઘણું મોટું છે, તેઓ તમને કોઈ પણ રીતે ફસાવી લેવા રાતદિવસ કુંડાળાઓ આચરતા હોય છે. ચેતતો નર અને નારી- સદા સુખી, આ સૂત્ર યાદ રાખવું.