કોઈ પણ શહેરમાં અમુક ‘મોટા’ કામો બહુ દિલચસ્પ હોય છે, શાસકો અને અધિકારીઓ ‘સંપી’ જતાં હોય છે અને વિકાસનો મુદ્દો આગળ કરી-ધરી, ધાર્યું કરી લેતાં હોય છે અને ચોક્કસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી આવા કામો રાજ્યના પાટનગરમાં પણ ‘ઓકે’ કરાવી લઈ…મૌખિક NOC મેળવાઈ જતાં હોય છે, આ પ્રકારના કામોમાં જ્યારે સ્થાનિક કક્ષાએ વિપક્ષ દ્વારા કોઈ જ વિરોધ ન થાય ત્યારે, આવા મામલા વધુ દિલચસ્પ બની જતાં હોય છે અને જાણકારો સહિતના લોકો બધું જ ‘સમજી’ જતાં હોય છે. તાજેતરમાં પણ ‘જાડા’માં વધુ એક વખત આવું કાંઈક બની રહ્યાની વિગતો ટોક ઓફ ધ ટાઉન બની છે.
જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ ઉર્ફે ‘જાડા’ની જનરલ બોર્ડની એક બેઠક ગત્ અગિયારમીએ યોજાઈ ગઈ. આ બેઠકમાં ઝોનફેર સંબંધે કેટલાંક નિર્ણય એવા થયા કે એ કામો કરી નાંખવા- સૌ સહમત. પણ આ જ બેઠકમાં ખાસ કરીને 2 ઝોનફેર એવા રહ્યા જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખે નકારમાં ડોક હલાવી અને એ મતલબનો સૂર કાઢ્યો કે, ‘સોચના પડેગા’.
આ ‘સોચના પડેગા’ એટલે શું ? તેની સર્વત્ર ચર્ચાઓ થઈ રહી છે. અને જાણકારો સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે
જો કે એ સાથે એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, જામનગરની તથા જામનગર આસપાસની ઘણી લગડી જમીનોનો ‘જાડા’માં વધુ એક વખત ઝોનફેરની આડમાં ‘ઘાણવો’ ઉતરી રહ્યો છે ત્યારે, વિપક્ષ ચૂપ શા માટે છે ?! વિપક્ષની ચૂપકીદી પાછળ કોઈ કારણ કે રહસ્ય તો નથી ને ?! એ પ્રશ્ન પણ મેદાનમાં ચર્ચાઓમાં છે. કેમ કે, નાની નાની બાબતોમાં ખાંડા ખખડાવતો વિપક્ષ આટલી ‘મોટી’ બાબતમાં સાવ ચૂપ ?! લોકો આ પ્રશ્નની ચર્ચાઓ કરી રહ્યા છે.
જામનગરના એક સામાજિક કાર્યકર નીતિન માડમએ આ ઝોનફેર મામલે છેક મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનર કક્ષાએ રજૂઆત કરી છે, મામલો ગરમ છે, ચર્ચાઓમાં છે અને ઝોનફેર સંબંધે ‘જાડા’ની પ્રતિષ્ઠા સારી કે સાફ નથી- આટલાં બધાં મુદ્દા છતાં વિપક્ષ આ ઝોનફેર મામલે અત્યાર સુધી ચૂપ શા માટે ? એ પ્રશ્ન પણ વારંવાર ચર્ચાઓમાં આવી રહ્યો છે.