ગુજરાતમાં ખાસ કરીને સરકારી શિક્ષણ અંગે ઘણાં નકારાત્મક અને ચિંતાપ્રેરક અહેવાલો સમયાંતરે પ્રગટ થતાં રહે છે. શિક્ષણની ત્રૂટિઓ અંગે પણ અનેક ટિપ્પણીઓ થતી રહેતી હોય છે. આ સ્થિતિઓ વચ્ચે સરકારે એક ઉમદા નિર્ણય જાહેર કર્યો છે. જે નાગરિકો શિક્ષણ અંગે ખરેખર ચિંતિત હોય, તેઓ સરકારના આ નિર્ણયમાં જવાબદાર નાગરિક તરીકે અથવા તો શિક્ષણ લેતાં બાળકના વાલીઓ તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી શકે, સરકારને પોતાનો અભિપ્રાય જણાવી શકે છે.
ઉલ્લેખનિય છે કે, RTE અંતર્ગત ગુજરાતમાં દરેક સરકારી પ્રાથમિક
શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે SMCની રચના કરવી ફરજિયાત છે. અને દર બે વર્ષે આ સમિતિની ફરીથી રચના થતી હોય છે. આજથી 14 વર્ષ અગાઉ 2011માં સરકારે આ સમિતિના કર્તવ્યો અને ફરજો નક્કી કર્યા હતાં. હવે સરકારે નિર્ણય લીધો છે કે, આ પ્રકારની સમિતિના ગઠન અંગે જરૂરી ફેરફારો કરવા. સરકાર ધરખમ ફેરફાર ઈચ્છે છે.
આ માટે જાહેર કરવામાં આવ્યું છે કે, નાગરિકો આ માટે પોતાના સૂચનો મોકલે. સૂચનો મોકલવા 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સરકારી શિક્ષણમાં જનસમુદાયની ભાગીદારી વધારવા આ નિર્ણય લેવાયો છે. આ સમિતિના કારણે શાળાનું સંચાલન પારદર્શક અને જવાબદેહ બની શકે, જેને કારણે શિક્ષણમાં ક્વોલિટી વધારી શકાય.
શાળા વ્યવસ્થાપન સમિતિને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય, એ અંગે પણ આપ સૂચન આપી શકો. આ માટેના સૂચનો
smcgujarat@ssguj.in પર ઈ-મેઈલથી મોકલી શકાય છે. શાળામાં આપવામાં આવતાં શિક્ષણ ઉપરાંત સ્વચ્છતા, આરોગ્ય કાર્યક્રમ, શાળા પ્રવાસ વગેરે બાબતો અંગે સૂચનો આપી શકાય. આ બાબતે સરકારનું મન ખુલ્લુ છે, શિક્ષણની અસરકારકતા વધારવા અંગે વાલીઓ તથા નાગરિકો સૂચન આપી શકે છે. આપનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવા આપની પાસે 45 દિવસ માટે તક છે.