જામનગર નજીકના સિક્કામાં રહેતી એક વિધવાની બે દિવસ અગાઉ તલવારના ઘા થી થયેલી કરપીણ હત્યાનો આરોપી ઝડપાઈ ગયો હોવાનું જાહેર થયું છે.
સિક્કા ખાતે રહેતી બે સંતાનોની વિધવા માતા નીલમબેન(36)ની ગત્ બુધવારે રાત્રે દોઢેક વાગ્યા આસપાસ તલવારના ઘા થી કરપીણ હત્યા નિપજાવવામાં આવેલી. જે અંગે પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર અને એક હોટેલ સંચાલક વચ્ચે કેટલાંક સમયથી સંબંધ હતો. આ સંબંધ દરમ્યાન કોઈ કારણસર બંને વચ્ચે કોઈ મતભેદ સર્જાયેલો. આ મતભેદને કારણે આરોપીએ આ વિધવાને વેતરી નાંખી હોવાની જાણકારીઓ બહાર આવી હતી. આ બનાવને કારણે સિક્કા ગામ અને પંથકમાં ચકચાર તથા અરેરાટી ફેલાઈ ગઈ હતી.
હત્યા બાદ નાસી છૂટેલા આરોપીને પોલીસે ગુરૂવારે શોધી કાઢ્યો છે. પોલીસે તેની ઓળખ સુખદેવસિંહ વીરાજી જાડેજા(42) તરીકે આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલાના બે સંતાનો પૈકી એકની ઉંમર 12 વર્ષ અને બીજા સંતાનની ઉંમર 5 વર્ષ છે. મૃતકના ભાઈ દ્વારા આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.