જામનગરની મિશનરી શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જુદા જુદા કારણોસર વિવાદોમાં ચમકતી રહે છે, તાજેતરમાં આ પ્રકારના એક વિવાદ બાદ સ્કૂલની આડોડાઈ ધ્યાન પર આવતાં શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કૂલને દંડ ઝીંકવામાં આવ્યો છે. જેને પરિણામે શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચાઓ ચાલી છે અને વાલીઓ પણ આ મામલાની રસભેર ચર્ચાઓ કરી રહ્યા છે.
આ સમગ્ર વિષયની વિગતો એવી છે કે, આ શાળાના UKGના એક ભૂલકાંના વાલી શબનમબેન બુખારી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ એવી ફરિયાદ કરવામાં આવી હતી કે, શિક્ષકો અને આચાર્યની વર્તણૂંક યોગ્ય નથી. આ સામે શાળાએ પણ રજૂઆત કરી હતી.
આ બબાલ ચાલુ હતી તે દરમ્યાન શાળાએ વાલીને જણાવી દીધું કે તમારાં બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવી દો, એમ કહી વાલીને બાળકનું એલસી એટલે કે શાળા છોડયાનું પ્રમાણપત્ર પકડાવી દેવામાં આવ્યું. જેતે સમયે સ્કૂલની આ દાદાગીરીની ભારે ચર્ચાઓ ચાલી હતી.
ત્યારબાદ વધુ એક વખત આ એલસી મામલે આખી વાત DEO સમક્ષ લઈ જવામાં આવી. બધી વિગતોની તપાસણી બાદ કચેરીએ RTE નિયમોનું પાલન ન થવા બાબતે શાળાને શો-કોઝ નોટિસ ફટકારી દીધી હતી. અને શિક્ષણ વિભાગે આ બાબતે વાલી શબનમબેન બુખારી અને શાળાના પ્રતિનિધિ એન્ટનીને બોલાવી સુનાવણી યોજી હતી.
આ સુનાવણી અને તપાસમાં બહાર આવ્યું કે, આ એલસી મેળવવા માટે વાલી દ્વારા શાળાને કોઈ લિખિત રજૂઆત કરવામાં આવી ન હતી છતાં શાળાએ નિયમ વિરુદ્ધ જઈ આ એલસી આપી દીધું હતું જેથી RTEના નિયમનો સ્પષ્ટ ભંગ બહાર આવ્યો. કચેરીએ જણાવ્યું કે શાળાનું આ વર્તન ઉચિત નથી. આથી DEO વિપુલ મહેતાએ અનિયમિતતાઓ આચરવા બદલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને રૂ. 10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો અને જણાવ્યું કે આ બાબતે શાળા શિક્ષણ વિભાગ સમક્ષ અપીલ કરી શકે છે.