ઓખા મંડળમાં તાજેતરમાં એક શખ્સ દ્વારા પોતાને પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બાઈક ઉપર હથિયાર લહેરાવી, જાણે કાયદાની મજાક કરતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી. ત્યાર બાદ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામનો કુરજી રાણાભાઈ કણજારીયા નામના એક શખ્સ દ્વારા તાજેતરમાં પોલીસની છબી ખરડાય તે રીતે પોલીસ પર ખોટા આક્ષેપવાળો તથા પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને મહિલા પી.એસ.આઈ. સાથે ગેરવર્તન વાળો તેમજ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ફૌજી હોવાની ખોટી માહિતી અંગેના વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ “radha solanki” તેમજ અલગ અલગ એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.
આને અનુલક્ષીને જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસમાં બી એન એસ. તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉપરોક્ત શાખા દ્વારા સુદર્શન સેતુ પર જાહેરમાં ખુલ્લું હથિયાર હાથમાં ધારણ કરી અને લહેરાવી, એક હાથે બુલેટ ચલાવીને સીન સપાટા કરતાં આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવતા આ ગંભીર મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ અને ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. ટી.ડી. ચુડાસમા અને ઓખાના પી.એસ.આઈ. આર.આર, ઝરૂ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી.
જેમાં ફરજમાં રુકાવટ તેમજ જી.પી. એક્ટ સહિતના જુદા જુદા ગુના સંદર્ભે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલત દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો.